Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હિરાણી પરર્ફોમીંગ આર્ટસ કોલેજની વિદ્યાર્થીનીઓએ શાસ્ત્રીય નૃત્યમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

સંગીત નાટક એકેડમી-ગાંધીનગર દ્વારા 'કલ કે કલાકાર' એવોર્ડ એનાયત થયો

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ જગવિખ્યાત કાર્તીકી પુર્ણિમાનાં મેળામાં ગત તારીખ ૧૪ના રોજ 'કલ કે કલાકાર' શાસ્ત્રીય નૃત્ય સમારોહ અંતર્ગત રાજકોટની શ્રી અર્જુનહિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પરફોર્મીગ આર્ટસના કથક વિભાગની બે વિદ્યાર્થીની કુ.આયુષી ડોબરીયા અને કુ.હિરલ ભગતે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતી કરી હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા આ બંન્ને વિદ્યાર્થીનીઓનું પ્રમાણપત્ર-શિલ્ડ અને રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા., ર૭: સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં પ્રતિ વર્ષ યોજાતા જગવિખ્યાત કાર્તીકી પુર્ણીમાનાં મેળામાં ગત તારીખ ૧૪ નાં રોજ યોજાયેલ 'કલ કે કલાકાર' શાસ્ત્રીય નૃત્ય સમારોહમાં રાજકોટ સ્થિત વિશિષ્ટ કોલેજ શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પરફોર્મીગ આર્ટસના કથક વિભાગની બે વિદ્યાર્થીની કુ. આયુષી ડોબરીયા અને કુ. હિરલ ભગતે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતી કરી હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા ઉગતા કલાકારોને પ્રોત્સાહીત કરવા 'કલ કે કલાકાર' એવોર્ડ એનાયત કરી, કલા પ્રસ્તુતી માટે મંચ આપવામાં આવે છે. ગુજરાતભરમાંથી વિવિધ તમામ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ-સાધકો આ એવોર્ડ માટે મોટી સંખ્યામાં ઓડીશન આપે છે. આ ઓડીશન સમગ્ર ગુજરાતમાંથી માત્ર ર૦ વિદ્યાર્થીઓની પસંદગી થઇ હતી. જે પૈકી શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજની આ બંન્ને વિદ્યાર્થીનીઓની પસંદગી થઇ હતી.

શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજનાં યુવા મેનેજીંગ ટ્રસ્ટી ડો. વિક્રમભાઇ હિરાનીની યાદીમાં જણાવાયાનુસાર, સંગીત નાટક અકાદમી, ગાંધીનગર, સોમનાથ ટ્રસ્ટ અને શકિતવિજય પરફોર્મીગ આર્ટસનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ આ ભવ્ય કલ કે કલાકાર શાસ્ત્રીય નૃત્ય સમારોહમાં કોલેજની એમ.પી.એ. સેમેસ્ટર-૩ ની વિદ્યાર્થીની કુ. હિરલ મનીષકુમાર ભગતે તાલ ધમાર, વિલંબીત લય અને મધ્યલયની રજુઆતમાં થાટ, તિહાઇ, પરન, જુડી, આમદ, જાતી અને યતિ આધારીત બંદીશો, કવિત અને કલિષ્ટ પદ સંચાલન રજુ કરેલ હતું.  પ્રદર્શનનાં અંતમાં કુ. હિરલે રાગ લલીત આધારીત ગણેશસ્તુતી રજુ કરીને દર્શકોની જબરજસ્ત સરાહના મેળવી હતી. જયારે બી.પી.એ. સેમેસ્ટર-પની વિદ્યાર્થીની કુ. આયુષી જેન્તીભાઇ ડોબરીયાએ કૃષ્ણવંદનાથી નૃત્ય પ્રદર્શનની શરૂઆત કર્યા બાદ એકતાલમાં થાટ, તિહાઇ, પરન, ચક્રદાર તોડા, નાયીકાભાવ આધારીત કવિત તેમજ પલટાની રજુઆત કરી હતી. પ્રદર્શનનાં અંતમાં કુ. આયુષીએ પં.બિન્દાદીન મહારાજની ઠુમરી રાગ દેશમાં રજુ કરીને સમગ્ર વાતાવરણ નૃત્યવિભોર બનાવી દીધું હતું.

આ બંન્ને વિદ્યાર્થીનીઓને સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા શિલ્ડ, સર્ટીફીકેટ ઉપરાંત રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનીત કરવામાં આવી હતી. આ નૃત્ય સમારોહમાં વિવિધ નૃત્ય શૈલીની લગભગ ૧૮ જેટલી કૃતિઓ રજુ થઇ હતી. જે પૈકી શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજની વિદ્યાર્થીનીઓની માત્ર બે જ કૃતિઓ એવી હતી કે જે લાઇવ મ્યુઝીક સાથે રજુ થઇ હતી. જેને દર્શકોએ મન ભરીને માણી હતી. નાની વયમાં 'કલ કે કલાકાર' જેવો ગુજરાતનો બહુ પ્રતિષ્ઠીત એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની કુ. હિરલ ભગત અને કુ. આયુષી ડોબરીયાને કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વિવેક હિરાની, કોલેજનાં પ્રિન્સીપાલ ડો.ભારતીબેન રાઠોડ અને સમગ્ર કોલેજ પરીવારે અભિનંદન સહ ઉજ્જવળ ભાવી માટે શુભકામનાઓ પાઠવી હતી.

(3:50 pm IST)