Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગોંડલના રાણસીકી સહિતનાં ગામોમાં ઇયળોએ કપાસનો સોથ વાળ્યો

વિધે ૪૦ મણ કપાસની જગ્યાએ ર મણ જ કપાસ : ખેડૂતે પાક ઉપર ટ્રેકટર ફેરવી દીધુ : સર્વે કરીને વળતર ચુકવવા માંગ

રાજકોટ, તા., ર૯: કમોસમી વરસાદ, ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ગોંડલ તાલુકાના રાણસીકી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇયળોનો ઉપદ્રવ વધતા કપાસનો પાક નિષ્ફળ ગયો છે.

ગોંડલના રાણસીકી, સુલતાનપુર, વીંઝીવડ, મોટા સખપુર, નાના સખપુર, મોટી ખીલોરી, ધુળસીયા, દેરડી કુંભાજી સહીતના અનેક ગામના ખેડુતોને પહેલા કમોસમી વરસાદ બાદ હવે કપાસમાં ગુલાબી ઇયળોના ત્રાસથી ખેતરોમાં ઉભા કપાસનો નાશ કરવાની ફરજ પડી રહી છે. રાણસીકી ગામના વીરજીભાઇ ગજેરાએ ૧૬ વીઘાના કપાસના પાકમાં ટ્રેકટર ફેરવી કપાસના પાકને કાઢી નાખ્યો છે.

ઇયળના ઉપદ્રવના કારણે ખેડુતો ઉભા પાક પર ક્રશર ફેરવવા મજબુર બન્યા છે. ખેડુતોને એક વિમામાં ર મણ કપાસ ઉત્પાદન માટે ૧૬ હજારનો ખર્ચ થયો છે. અને વીમા કંપની દ્વારા કોઇ જવાબ ન આપવામાં આવતા વીમા કંપની સામે ખેડુતોનો આક્રોશ જોવા મળી રહયો છે.

પાક નિષ્ફળ જતા ખેડુતો રાજય સરકાર પાસે સહાયની માંગ કરી રહયા છે. રાણસીકીમાં ૯૮ ટકા કપાસનો પાક નિષ્ફળ ગયો છે. વીમા કંપનીના કોઇ અધિકારીઓ હજી ફરકયા નથી.

આ અંગે રાણસીકી દુધ ઉત્પાદક સહકારી સંઘના પ્રમુખ જગદીશભાઇ કાછડીયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે ગુલાબી ઇયળોના કાણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. અને પાકનું વળતર આપવું જોઇએ અને સર્વે કરવા માટે ટીમોએ પણ મુલાકાત લઇને ખેડૂતોને ન્યાય આપવો જોઇએ કપાસના વાવેતરમાં ખર્ચ થઇ ગયો હોવાથી વાડીમાં કામ કરતા ભાગીયા અને મજુરોને પણ કેવી રીતે પૈસા આપવા તે પ્રશ્ન છે.

આ અંગે ખેડૂત વિરજીભાઇ ગજેરાએ ''અકિલા'' ને જણાવ્યું હતું કે, સારો વરસાદ થતા આ વખતે વિઘે ૪૦ મણ કપાસ થવાની આશા હતી પરંતુ ઇયળોએ ઉપદ્રવ કરતા વિઘે ર મણ કપાસ થયો છે.

ત્યારે સરકાર ખેડૂતોને વળતર આપે તે જરૂરી છે.

(1:05 pm IST)