Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ખંભાળીયાના ભાતેલમાં દિપડાએ ૩ શ્વાનનું મારણ કર્યુ

બરડા ડુંગરમાંથી આવી ચડયાનું તારણઃ ખેડુતોમાં ભારે ફફડાટ

ખંભાળીયા તા. ર૯ : તાજેતરમાંં ખંભાળિયા તાલુકાના વડત્રા તથા દામણા વિસ્તારમાં સિંહબાળ આવ્યાની અફવા ફેલાઇ હતી જે અંગેના ફેક વીડીયો પણ વાયરલ થતા તંત્ર દોડયું હતું પણ અંતે તપાસમાં જંગલી બિલાડો નીકળતા તંત્રએ હાશનો દમ વ્યકત કર્યો હતો ત્યાં વડત્રાથી નજીક પાંચ કિ.મી.દુર ભાતેલ ગામની સીમમમાં એક દીપડો આવ્યાની જાણ થતા તંત્ર ફરી દોડયું હતું.

તાલુકાના ભાતેલ ગામે દિપડો આવ્યાની જાણ પૂર્વસરપંચ કિરીટસિંહ જાડેજાને થતા તે પણ જંગલ ખાતાના અધિકારીઓનેજાણ કરી હતી જો કે સતત ત્રણ દિવસથી આ દીપડો આ વિસ્તારમાં હતો જેમાં આ વિસ્તારમાંં આવેલી પવનચકકીના સીસી ટીવીમાંઆ દીપડો ખેતરોમાં તળાવ પાસે ફરતો હોવાનો વિડીયો આવતા તંત્રને દીપડો આવ્યાની ખાતરી થતા દોડયું હતું.

એમ માનવામાં આવે છેકે દીપડાનો પ્રિય ખોરાક કુતરા છે આ દીપડો ગઇકાલે સાંજે વડત્રા ભાતેલ રોડ નજીક ત્રણ કુતરાનું મારણ કર્યું હતું જે કુતરાને ઝાડીમાં લઇ જઇને અડધા ખાધેલા હતા તે પરથી તેનું આશ્રયસ્થાન નકકી થતા ગઇકાલે જંગલ ખાતાના આર.એફ.ઓ. પરબતભાઇ આહિર દ્વારા પાંજરૂ ગોઠવીને છટકુ રાખીને આ દીપકાને પકડવાના પ્રયાસો ચાલુ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ખંભાળિયા વિસ્તારના રામનગર તથા શકિતનગર વિ.વિસ્તારોમાં બરડા ડુંગરમાંથી દીપડો આવ્યાના અનેક બનાવો બન્યા હતા તથા ભુતકાળમાં વિઠ્ઠલભાઇની વાડી ઘી ડેમ પાસેથી પણ બે ખુંખાર દીપડા પકડાયા હતા પણ પહેલી વખત ભાતેલ સુધી બરડાનો દીપડો પહોંચી ગયો છે.

ભાતેલ ગામે દીપડો આવ્યાની ખબર પડતા ભાતેલ તથા આસપાસના વડત્રા સહિતના ગામોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે તથા ખેડુતો રાત્રે ખેતરમાં જતા પણ ડરે છે. તાકીદે દીપડાને પકડવા માંગ કરાઇ છે.

જો કે સીસી ટીવીમાં ના આવ્યો હોત તો હજી પાકી ખબરના પડત પણ જંગલ ખાતાએ ટીમો પણ ઉતારી છે. તથા પગલાના નિશાન પરથી તેનું લોકેશન મેળવી રહ્યા છે.

(11:36 am IST)