Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મનની દુરસ્તી સાથે તનની ચુસ્તતા માટે દરરોજ શારિરીક કરસત કરાવાય છે

ફિઝિયોથેરાપીની વિવિધ હળવી કસરત દ્વારા દર્દીની શારિરીક સ્થિતિ અને માનસિક સ્થિતિ મજબૂત બની રહી છે

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દર્દીને કોરોનાની સારવાર આપવાં સાથે-સાથે દર્દીઓની માનસિક સ્થિતિ પણ સારી રહે અને મજબૂત બને તેના પર ભાર મૂકવામાં  આવી રહ્યો છે.
કોરોના વોર્ડમાં તબીબો અને અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કોરોનાના દર્દીઓને વિવિધ ફિઝીયોથેરાપીને લગતી હળવી કસરત કરાવવામાં આવે છે.
સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જયેશ બ્રહ્મભટ્ટ કહે છે કે, કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ દર્દી શારિરીક સ્થિતિની સાથે માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાથી સંક્રમિત થયેલ દર્દીઓના સંક્રમણ સ્તરને ધ્યાને રાખીને નિર્ધારીત માપદંડો પ્રમાણે સ્ટાફ દ્વારા કસરત કરાવવામાં આવે છે.
કોરોના મહામારી સામેનો જંગ હજુ ચાલું છે. કોરોના વોરિયર્સ એવો  તબીબી સ્ટાફ, પેરામેડકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ દિવસ- રાત મહેનત કરીને કોરોનાના દર્દીઓનો જીવ બચાવવાં ખડેપગે કાર્યરત છે. કોરોનાના કપરા સમયે આ કોરોના યોધ્ધાઓ માનવજાતિ પર આવી પડેલ આ વિપડાની ઘડીમાં દર્દીઓની વધુને વધુ સેવામાં વિતાવી પ્રત્યેક દર્દી સાજો થઇને ઘરે જાય તે માટે પ્રયત્નશીલ છે.  
આવી જ એક સેવામાં કોરોનામાં સપડાયેલા દર્દીઓને દવા સાથે શારીરિક કસરત મળે અને તે દ્વારા તેઓ ચુસ્ત- દુરસ્ત રહે તે માટે સર ટી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોનાના દર્દીઓને ફિઝિયોથેરાપીની હળવી કસરત કરાવવામાં આવે છે. સવાર અને સાંજે સહજાનંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી સ્ટાફ દ્વારા આ હળવી કસરત કરાવવામાં આવે છે.
કોઇક દર્દી બાય પેપ પર છે. કોઇક દર્દી ઓક્સિજન પર છે. આવા તમામ દર્દીઓને તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની જરૂરિયાત મુજબ કસરત કરાવવામાં આવી રહી છે.
કેટલાંક દર્દીઓને બેડ પર એકધાર્યા સતત પડી રહેવાથી પીઠમાં દર્દ થઇ રહ્યું છે તો તેવા દર્દીઓની પીઠ પસવારી ‘તમે ચિંતા ન કરો, અમે તમારી સતત સાથે છીએ’ તેઓ અહેસાસ સતત કરાવી તેમના મનોબળમાં વધારો કરી રહ્યાં છે.
સર ટી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીઓ પણ હળવી કસરત કરીને પોતાની જાતને હળવી મહેસૂસ કરી રહ્યાં છે. ઘણા બધા સારવાર લઇ રહેલાં દર્દીઓ જ્યારે તેઓ ઘરે હતાં ત્યારે પણ નાની- મોટી કરસત કરતાં હતાં. પરંતુ હોસ્પિટલમાં આવ્યાં બાદ દવા અને સારવારના નિયમિત શિડ્યુલ વચ્ચે કસરતનાં અભાવ અનુભવતાં હતાં. તેઓને તેનાથી મોટો ફાયદો થયો છે અને તેમને ઘર જેવાં માહોલનો અહેસાસ થઇ રહ્યો છે.

(10:20 pm IST)