Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વૈચ્છીક લોકડાઉન યથાવત

જામનગરના ધુનધોરાજી, ટંકારાના હરબટીયાળી, ઓખા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો કોવિડ ગાઇડ લાઇનના પાલન સાથે બંધ

પ્રથમ તસ્વીરમાં ઓખા અને બીજી-ત્રીજી તસ્વીરમાં ધુનધોરાજી બંધ રહ્યું છે. (તસ્વીરઃ ભરતભાઇ બારાઇ- (ઓખા), કિંજલ કારસરીયા-જામનગર)

રાજકોટ,તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારી પ્રસરતા અનેક જગ્યાએ સ્વૈચ્છીક લોકડાઉન પાલન કરવામાં આવી રહ્યું છે.

જામનગર જીલ્લામાં કાલાવડ તાલુકાના ધુનધોરાજી, ટંકારાના હરબટીયાળી, ઓખા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો કોવિડ ગાઇડ લાઇનના પાલન સાથે બંધ  છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલ ધુનધોરાજી ગામ અચોક્કસ મુદત સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોનાની સાંકળ તોડવા ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે ગામ છે સંપૂર્ણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે.

કોરોનાનું સંક્રમણ વધતા જામનગર જિલ્લામાં વધુ એક ગામ સ્વૈચ્છિક રીતે લોકડાઉન થયું છે કાલાવડ તાલુકાનું ધુનધોરાજી ગામમાં હાલ ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાને લઈને સરકાર લોકડાઉન કરે કે ના કરે પરંતુ ધુન ધોરાજી ગામ પંચાયત તેમજ ગામના વેપારીઓ સાથે બેઠક યોજી કોરોના સંક્રમણ અટકાવવા અચોક્કસ મુદત સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ.

આ લોકડાઉનની અમલવાળી પણ શરૂ કરી દેવામાં આવી છે. ધુન ધોરાજી ગામ ૨૦૦૦ લોકો ની વસ્તી ધરાવતુ ગામ છે. જેમાં કોરોનાએ એક વ્યકિત નો જીવ પણ લીધો છે.. જેના કારણે ગ્રામ પંચાયત દ્ઘારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. આ લોકડાઉન સમય દરમિયાન જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે સવારે ૪ કલાક દુકાનો ખુલ્લી રહેશે. અને આ નિયમનું ઉલ્લંઘન કરશે તેના વિરુદ્ઘ પંચાયત કાયદેસરની કાર્યવાહી કરશે.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા : તાલુકાના હરબટીયાળી ગામે આજ થી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાયો છે.

હરબટીયાળી ગ્રામ પંચાયત તથા સરપંચ જીગુબેન મહેશભાઈ દુવરાં તા.૨૪/૪/૨૦૨૧ થી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. હાલની વિકટ સ્થિતિમાં લોકોને બિનજરૂરી અવરજવરના કરવા જણાવેલ છે. લોકોને માસ્કનો ઊપયોગ કરવા વિનંતી કરાયેલ છે. દુકાનો સવારે ૬થી ૧૦ તથા સાંજે ૪ થી ૭ ખુલ્લી રાખવા વેપારીઓ ને સૂચના આપવામાં આવેલ છે.

ઓખા

(ભરત બારાઇ દ્વારા) ઓખા : કોરોના નું સંક્રમણ ટાળવા અપાયેલા એલાનને દિવસ ના બંધ ને જબરદસ્ત સફળતા મળી છે.

ઓખાની મેન બજાર, ડાલડા બંદર, અને યાત્રાધામ બેટ પણ જડબેસલાક બંધ પાળવામાં આવેલ છે. આમ લોકો માં સ્વયંભૂ જાગૃતિ આવેલ છે.

(11:56 am IST)