Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સાવરકુંડલાઃ ભેરાઇમાં વૃક્ષોના રોપાનુ દાન કરીને ગુરૂપુર્ણિમાની ઉજવણીઃ

સાવરકુંડલાઃ ગુરૂ પરંપરા અને ગુરૂદક્ષિણાએ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે ત્યારે રાજુલા પંથકની શ્રી ભેરાઇ પે સેન્ટર શાળામાં ગુરૂ અને શિષ્યો દ્વારા ગુરૂપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી. શાળાની બાળા દ્વારા ગુરૂને કુમકુમનો ચાંદલો કરી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ આપવા પોતાના શિક્ષકોને એક એક છોડ ગુરૂદક્ષિણામાં ભેટ આપ્યો. ગુરૂ દ્વારા પણ શિક્ષકોની લાગણીને માન આપી પ્રાર્થનાસભા બાદ સાથે મળી શાળાના મેદાનમાં આ છોડનું રોપણ કરવામાં આવ્યું. સાથે સાથે તેનું જતન થાય તે માટે જવાબદારી સોપાઇ હતી. પ્રવર્તમાન સમયમાં પ્રાચીન પરંપરાની સાથે પર્યાવરણનું જતનનું ખૂબ જ જરૂરી છે તેવાં વિચાર સાથે શિષ્યો દ્વારા આ પગલું હાથ ધરવામાં આવ્યું. શાળાના શિક્ષકશ્રી ઘનશ્યામભાઇ કચીયા દ્વારા બાળકોને ગુરૂપુર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને બાળકોના વિચારની ખૂબ જ પ્રસંશા કરી.શાળાના તમામ શિક્ષકો દ્વારા બાળકોની આ વિચારસરણી માટે ગર્વની લાગણી અનુભવી હતી. સમગ્ર પ્રાર્થના કાર્યક્રમ ગુરૂ અને શિષ્યને સમર્પિત હતો. કાર્યક્રમના અંતમાં બાળકો દ્વારા ગુરૂના ચરણવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તમામ બાળકોએ ગુરૂના આશિષ સ્વીકાર્યા અને શિક્ષકો દ્વારા બાળકને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. (તસ્વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:23 pm IST)