Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

કંપનીએ પેમેન્ટ નથી મળ્યું કહી થેલેસેમિયાના દર્દીઓના ઇન્જેકશનની સપ્લાય અટકાવી રાખી'તી

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ મુંબઇ, અમદાવાદ સંપર્ક કરી પેમેન્ટ કલીયર જ હોવાના પુરાવા આપ્યા બાદ આવતી કાલે ઇન્જેકશન આવી જશે

રાજકોટ તા. ૨૯:સિવિલ હોસ્પિટલમાં   થેલેસેમિયા પિડીત સેંકડો દર્દીઓને છેલ્લા કેટલાક સમયથી જીવવા માટે જરૂરી એવા ઇન્જેકશન મળવામાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. આ ઇન્જેકશન નિયમીત ન મળતાં દર્દીઓ અને તેમના સ્વજનોમાં દેકારો મચી ગયો હતો. ગઇકાલે તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા સમક્ષ રજૂઆત કરવામાં આવતાં તેમણે આ પ્રશ્નનો સત્વરે નિવેડો લાવવા તજવીજ આદરી હતી. તપાસ થતાં જે કંપની આ ઇન્જેકશન મોકલતી હતી તેણે અગાઉનું પેમેન્ટ બાકી હોવાનું કહી ઇન્જેકશનની સપ્લાય અટકાવી દીધાનું જાણવા મળ્યું હતું. પરંતુ ડો. મહેતાએ વિશેષ તપાસ કરતાં પેમેન્ટ પુરૂ પુરૂ ચુકવાઇ ગયાનું સામે આવતાં કંપનીને આ માટેના પુરાવા આપવામાં આવ્યા હતાં. જો કે એક પેમેન્ટ ભળતા નામની કંપનીમાં જમા થઇ ગયાનું સામે આવ્યું હતું. કંપનીને ભુલ સમજાઇ જતાં પ્રશ્નનો નિવેડો આવ્યો હતો અને હવે આવતીકાલથી થેલેસેમિયા પિડીત દર્દીઓને ઇન્જેકશન મળતાં થઇ જશે.

ગઇકાલે સાંજે થેલેસેમિયા પિડીત દર્દીઓના સ્વજનો ડો. મનિષ મહેતાને આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતાં. છેલ્લા ઘણા સમયથી દર્દીઓને ખુબ જ જરૂરી એવા ડસ્ફેરાલ ઇન્જેકશન અનિયમીત રીતે મળતાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. થેલેસેમિયાના દર્દીઓને નિયમીત રીતે લોહી ચડાવવું પડે છે અને આર્યનનું પ્રમાણ નિયંત્રીત કરવા માટે આ ઇન્જેકશન આપવા ફરજીયાત હોય છે. જો ઇન્જેકશન ન અપાય તો લોહી કાળુ પડવા માંડે છે અને દર્દીઓના જીવ પર જોખમ ઉભુ થાય છે.

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ દર્દીઓના સ્વજનોની હાજરીમાં જ જે કંપની ઇન્જેકશન મોકલે છે તેના જવાબદારને ફોન જોડતાં ત્યાંથી અગાઉનું પેમેન્ટ બાકી હોવાનું કહેવાયું હતું. પરંતુ ડો.મહેતાએ પેમન્ટ કલીયર જ હોવાનું જણાવ્યું હતું અને ુપુરાવા પણ આપ્યા હતાં. મુંબઇ-અમદાવાદ ફોન જોડ્યા હતાં. અંતે એવું સામે આવ્યું હતું કે નોવાટીસ કંપનીને મોકલાયેલુ એક પેમેન્ટ કોઇપણ કારણોસર ભળતા નામના એકાઉન્ટમાં જમા થઇ ગયું હતું. આ પ્રશ્નનો નિવેડો આવી જતાં હવે આવતીકાલથી થેલેસેમિયાના દર્દીઓને પુરતા પ્રમાણમાં ઇન્જેકશન મળતાં થઇ જશે. તેમ ડો. મનિષ મહેતાએ કહ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની વ્હારે આવ્યા રેસિડેન્ટ તબિબોઃ ૧૦૮ બોટલ લોહીનું દાન કર્યુ

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં અવાર-નવાર લોહીની અછત ઉભી થઇ જાય છે. આ કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જરૂર પડ્યે રકત પુરૂ પાડી શકાતું નથી. તાજેતરમાં લોહીની ભારે અછત ઉભી થઇ જતાં સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડના રેસિડેન્ટ ડોકટરો દર્દીઓની વ્હારે આવ્યા હતાં. ચોવીસ કલાક અલગ-અલગ વોર્ડમાં ફરજ બજાવતાં અને દર્દીઓની સારસંભાળ રાખતાં રેસિડેન્ટ તબિબોને લોહીની જરૂરિયાત ઉભી થયાની જાણ થતાં જ તમામ તબિબો બ્લડ બેંકમાં વારાફરતી પહોંચ્યા હતાં અને સતત વ્યસ્ત ડ્યુટીમાંથી સમય કાઢી રકતદાન કર્યુ હતું. કુલ ૧૦૮ બોટલ રકત એકઠુ કરી સિવિલની બ્લડ બેંકમાં દાન કરી ઉમદા કાર્ય કર્યુ હતું. બીજા લોકોએ પણ આમાંથી પ્રેરણા લઇ સિવિલના દર્દીઓના લાભાર્થે રકતદાન કરવું જોઇએ. શ્રીમાનવસેવા સાર્વજનિક ટ્રસ્ટ, હોસ્પિટલ સેવા મંડળ પણ સિવિલના દર્દીઓને સતત વિનામુલ્યે રકત મળતું રહે તે માટે કાર્યરત રહે છે.

(3:43 pm IST)