Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

રણુજા હાઉસીંગ સોસાયટીમાં કરિયાણાના વેપારી પટેલ પિતા-પુત્ર પર ભંડારીયાના શખ્સનો દાંતરડાથી હૂમલો

રાજેશભાઇ અને પિતા ધીરૂભાઇને ઇજાઃ પટેલ યુવાને હુમલાખોર વલ્લભને વેંચેલો પ્લોટ ખાલી કરેલો ન હોઇ તેનું મનદુઃખઃ આજીડેમ પોલીસે રાતોરાત આરોપીને પકડી લીધો

રાજકોટ તા. ૨૯: કોઠારીયા હુડકો પાછળ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં અને રણુજા હાઉસીંગ સોસાયટીમાં કરિયાણાની દૂકાન ધરાવતાં પટેલ યુવાન પર તેના મુળ વતન જસદણના ભંડારીયાના કોળી શખ્સે દૂકાનમાં ઘુસી દાંતરડાથી હૂમલો કરી ઇજા કરતાં માથામાં ઇજા થઇ હતી. તેના પિતા બચાવવા આવતાં તેને પણ દાંતરડાના ઘા ઝીંકી દેવાયા હતા. પટેલ યુવાને અગાઉ વતન ભંડારીયામાં આવેલો પોતાનો પ્લોટ કોળી શખ્સને વેંચ્યો હોઇ તે ખાલી કરાવીને  ન આપ્યો હોઇ તે બાબતનો ખાર રાખી કોળી શખ્સે આ હુમલો કર્યાનું ખુલ્યું હતું.

બનાવ અંગે આજીડેમ પોલીસે કોઠારીયા રોડ હુડકો પાછળ રાજલક્ષ્મી સોસાયટી-૧૫માં રહેતાં અને ઘર નજીક રણુજા હાઉસીંગ સોસાયટીમાં ગણેશ સેલ્સ એન્ડ પ્રોવિઝન સ્ટોર નામે વેપાર કરતાં રાજેશભાઇ ધીરૂભાઇ દેસાઇ (પટેલ) (ઉ.૪૦)ની ફરિયાદ પરથી જસદણના ભંડારીયા ગામના વલ્લભ ધરમશીભાઇ વનાળીયા (કોળી)ની સામે આઇપીસી૩૨૬, ૩૨૪, ૪૫૨, ૫૦૪, ૫૨૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

રાજેશભાઇએ જણાવ્યું હતું કે અમે મુર ભંડારીયાના વતની છીએ. અમારે ભંડારીયામાં ગામતળમાં મારા નામનો ૨૫૦ વારનો પ્લોટ હતો. જેનો કબ્જો મારા કોૈટુંબીક ભાઇ ગુણવંતભાઇ પ્રાગજીભાઇ પાસે હતો. આ પ્લોટ અમારા ગામના વલ્લભ વનાળીયાને બે વર્ષ પહેલા વેંચ્યો હતો. ગઇકાલે ગુરૂવારે સવારે હું અને મારા પિતા ધીરૂભાઇ ભોજાભાઇ દેસાઇ (ઉ.૬૫) અમારી દૂકાને હતાં ત્યારે વલ્લભ વનાળીયા આવ્યો હતો અને દૂકાને બેઠો હતો. એ પછી મને કહેલ કે તમે મને જે પ્લોટ વેંચ્યો છે તે ખાલી કરાવીને કેમ નહોતો આપ્યો? તેમ કહી અચાનક નેફામાંથી દાંતરડૂ કાઢી મને માથામાં પાછળના ભાગે ઘા ઝીંકી દેતાં લોહી નીકળવા માંડ્યા હતાં.

ફરીથી મારા પર ઘા કરતાં મેં હાથથી દાંતરડૂ પકડી લેતાં હાથમાં પણ ઇજા થઇ હતી. બૂમાબૂમ કરતાં બહાર મારા પિતા ઉભા હોઇ તે દોડી આવતાં તેને પણ ઘા ઝીંકતા તેમને ખભા પર ઇજા કરી હતી. એ પછી વલ્લભે મને મારી નાંખવાની ધમકી દઇ ગાળો ભાંડી હતી અને ભાગી ગયો હતો. લોકો ભેગા થઇજતાં મને અને મારા પિતાજીને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

પી.આઇ. એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ સી.એચ. આસુન્દ્રા અને કિરીટભાઇ રામાવતે ગુનો નોંધી રાતોરાત આરોપી વલ્લભને તેના ગામેથી પકડી લીધો છે.

(1:05 pm IST)