Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મ.ન.પા.ના કર્મચારીને કોવિડ સારવાર માટે આરોગ્ય સમિતિની રચના કરો : એકતા મંડળ

રાજકોટ : મ.ન.પા.ના કોરોના વોરિયર્સ સમા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા બાદ તેઓને સારવારમાં પડતી મુશ્કેલી નિવારવા ખાસ આરોગ્ય સમિતિની રચના કરવા ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળના ઉપપ્રમુખ રાહુલ પરમારે મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે અલગ સમિતિ બનાવી તેમને તથા તેમના પરિવાર - સગા - સ્નેહીઓને વહેલી તકે તાત્કાલિક અને સમયસર સારવાર મળી રહે તે હેતુસર એક સમિતિનું ગઠન કરી કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ દુર કરવી જોઇએ.

રાજકોટ મહાનગરપાલિકાના દરેક વર્ગના કર્મચારીઓ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જાહેર જનતા વચ્ચે કોઇ સુરક્ષા વગર કાર્ય કરતા હોય છે. આ કર્મચારીઓને કોઇ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, સેનેટાઇઝર પણ પોતાના ખર્ચે સલામતી ખાતર લેતા હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં તો પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર જાહેર જનતાના હિતાર્થે કામ કરતા હોય છે અને કોરોના પોઝિટિવ લોકોની વચ્ચે આ કામગીરી દરમિયાન કર્મચારી સંક્રમિત પણ થાય છે. જો આવા મુશ્કેલ સમયમાં કર્મચારીને સમયસર ઇલાજ ન મળે તો પોતાનું જીવન પણ ગુમાવવાનો વારો પણ આવે છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીને સમયસર બેડ, ઓકિસજન, દવા, ઇન્જેકશન મળી રહે તો ફરીથી જાહેર જનતા લોક સેવાને હિતાર્થે કામગીરીમાં જોડાય શકે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે અલગ સમિતિ બનાવી તેમને તથા તેમના પરિવાર સગા - સ્નેહીઓને વહેલી તકે તાત્કાલિક અને સમયસર સારવાર મળી રહે અને કોઇ પણ પરિવારને તેમના વડીલો, મોભીઓ તેમજ જીવન નિર્વાહનો આશરો ગુમાવવાનો વારો ન આવે તે હેતુસર આરોગ્ય સમિતિની રચના કરવા વિનંતી.

(4:27 pm IST)