Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મીડિયા કર્મચારીઓ માટે શુક્રવારે વેકિસનેશન કેમ્પ

અગાઉ જેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો ન હોય તેવા પત્રકારો, તેમના પરિવારજનો પણ ડોઝ લઈ શકશેઃ ડાયાબીટીસ, બ્લડપ્રેશરની પણ તપાસઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ,તા.૨૮: રાજકોટ મહાનરપાલિકાએ ગત તા. ૩૦મી માર્ચે રાજકોટના પત્રકારો, કેમેરામેન,ફોટોગ્રાફર માટે કોરોનાથી રક્ષણ મળે એ માટેના કેમ્પનું આયોજન કર્યું હતું. રસીકરણના બીજા ડોઝ માટે પણ તા. ૩૦ એપ્રિલને શુક્રવારે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પત્રકારોને આ આયોજન અંતર્ગત રસી મુકાવી સુરક્ષિત થવા ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે અનુરોધ કર્યો છે.

ગયા મહિને મહાપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસે યોજાયેલ આ રસીકરણ કેમ્પમાં   પત્રકારો અને તેમના પરિવારજનો એમ મળી અંદાજે ૫૦૦ લોકોએ કોરોના વેકિસન મૂકાવી હતી. હવે એક મહિના બાદ કોરોના વેકિસનનાં બીજા ડોઝ માટે આગામી ૩૦ એપ્રિલ શુક્રવારનાં રોજ સવારે ૯ વાગ્યાથી સાંજે ૮ વાગ્યા સુધી રાજકોટ મનપાની વેસ્ટઝોન ઓફિસ ખાતે આ કેમ્પનું ફરી એક વખત આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ મનપા દ્વારા આયોજીત આ કેમ્પની ખાસ વાત એ હશે કે, ગત કોરોના રસીકરણ કેમ્પમાં રસી ન લઈ શક્યા હોય તેવા પત્રકાર મિત્રો અને તેમના પરિવારજનો પણ આ કોરોના વેકિસનેશન કેમ્પમાં પ્રથમ ડોઝ લઈ શકશે. આ સાથે જ જે પત્રકાર મિત્રો અને તેમના પરિવારજનોએ પ્રથમ કોરોના વેકિસન ડોઝ લીધો છે તેમને બીજો ડોઝ લેવાની તેમજ કોરોના રસી લેવાની બાકી હોય તેવા તમામ પત્રકારો-મીડિયા મિત્રો અને તેમના પરિવારજનોને કોરોના વિરૂદ્ધની વેકિસન લેવાની અપીલ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે કરી છે. તમામ સમાચાર માધ્યમોનાં પત્રકારો, પ્રિન્ટ-ઈલેટ્રોનિક મીડિયાનાં મિત્રોને ૩૦ એપ્રિલ સવારે ૯ કલાકે રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટઝોન કચેરી ,૧૫૦ રિંગ રોડ, બિગ બઝાર પાસે રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવા વિનંતી છે.

કોરોના મહામારીના કાળમાં પત્રકાર જગત સાથે જોડાયેલા વ્યકિતઓએ તેમજ તેમના પરિવારજનોએ જીવ ગુમાવ્યાંના અનેક બનાવ સામે આવી ચૂક્યા છે. ત્યારે દિન પ્રતિદિન કોરોના મહામારીનો કેર વર્તાઈ રહ્યો છે. આ સમયે આપણી સૌની ફરજ છે કે વેકિસન થી પોતાને તેમજ પોતાના પરિવારજનોને સુરક્ષા પ્રદાન કરીએ.

ઉલ્લેખનીય છે કે રાજકોટના કેટલાક પત્રકારોએ ગયા મહિને રાજુભાઇ ધ્રુવને વિનંતી કરીને પત્રકારોને પણ કોરોના ના વોરિયર ગણીને રસી કરણમાં અગ્રતા મળે એવી રજૂઆત કરી હતી . આ વાત રાજુભાઇ ધ્રુવે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ધ્યાને મૂકી હતી. રાજકોટ મહાનગરપાલિકાએ મીડિયા કર્મીઓ માટે મુખ્યમંત્રી શ્રી ની સુચના થી આ કેમ્પનું આયોજન કર્યું હતું.

કોરોના રસી ઉપરાંત તા.૩૦મી એપ્રિલે પત્રકારોના ડાયાબિટીસના ટેસ્ટ અને બ્લડ પ્રેશરની પણ  તપાસ કરી આપવામાં આવશે . આ કોરોના રસીકરણ-૨ કેમ્પ-કાર્યક્રમ  મેયરશ્રી-પદાધિકારીઓ-મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા અગ્રણીઓની ઉપસ્થિતિ માં યોજાનાર છે. પત્રકારમિત્રોને જરૂરી ઓળખપત્ર-આધાર સાથે  ઉપસ્થિત રહી રસીકરણ  કરાવવા રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું છે.

(1:07 pm IST)