Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ત્રાસવાદ સામે જંગમાં શ્રીલંકા અમારી સાથે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો

શ્રીલંકાના પ્રમુખ ગોટબાયા રાજાપક્ષે સાથે ચર્ચા : તમિળોના જટિલ મુદ્દાને ઉઠાવ્યો : ભારતીય માછીમારોની નૌકાઓને મુક્ત કરવા શ્રીલંકન પ્રમુખ ગોટબાયા રાજાપક્ષેની ઘોષણા

નવીદિલ્હી, તા. ૨૯ : શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ ભારતના પ્રવાસની શરૂઆત કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં શ્રીલંકા પણ ભારતની સાથે છે. મોદીએ કહ્યું હતું કે, આ સ્વભાવિક છે કે, અમે એકબીજાની સુરક્ષા અને ચિંતાઓને લઇને સાવધાન રહ્યા છે. ભારતે હંમેશા આતંકવાદની નિંદા કરી છે. આના કારણે જ હંમેશા આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. આ વર્ષે ઇસ્ટરના પ્રસંગે ત્રાસવાદીઓએ સમગ્ર માનવતા ઉપર બર્બરતાથી હુમલો કર્યો હતો. આતંકવાદની સામે લડાઈમાં ભારતના સહકાર માટે શ્રીલંકા પણ આવી ગયું છે. મોદીએ તમિળ સમુદાયના મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે, ગોટબાયા તમિળોને સશક્ત બનાવવા માટે કામ કરશે તેવી તેઓ અપેક્ષા રાખે છે. બેઠક દરમિયાન શ્રીલંકા તરફથી ધરપકડ કરવામાં આવેલા ભારતીય માછીમારોને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.

                 શ્રીલંકાના પ્રમુખ ગોટબાયાએ કસ્ટડીમાં લેવામાં આવેલી માછીમારોની નૌકાઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. મોદીએ એમ પણ કહ્યું હતુ ંકે, ભારતની પોલીસ સંસ્થાઓમાં શ્રીલંકાના અધિકારી પહેલાથી જ કાઉન્ટર ટેરેરિઝમની ટ્રેનિંગ લઇ રહ્યા છે. શ્રીલંકન સરકાર તમિળોની સમાનતા, વિકાસ અને સન્માન માટે કામ કરશે તેવી અમને આશા છે. મોદીએ કહ્યું હતું કે, બંને દેશોની પ્રગતિ, શાંતિ અને સુરક્ષા માટે અમે શ્રીલંકન પ્રમુખ રાજાપક્ષે સાથે કામ કરવા ઇચ્છુક છીએ. શ્રીલંકાના ઉજ્જવળ ભાવિ માટે રાજાપક્ષે કામ કરશે તેવી અમારી અપેક્ષા છે. બંને દેશોની સુરક્ષા અને વિકાસ યોજના એક સમાન રહેલી છે. બીજી બાજુ શ્રીલંકાના પ્રમુખ ગોટબાયાએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધ નવી ઉંચાઈ ઉપર પહોંચે તેવી તેમની ઇચ્છા છે.

(7:21 pm IST)