Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

કિંગ મેકર બન્યા ખુદ મહારાષ્ટ્રના કિંગ

મુંબઈઃ મહારાષ્ટ્રના સતત ૧ મહિનાથી ધગતા રાજકારણમાં ગઈકાલે શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે સૌ પ્રથમ પિતા બાળાસાહેબને વંદન કર્યા હતા. લાખોની ભીડ વચ્ચે તેમની શપથવિધિ વખતે જયારે તેમણે ''મી ઉધ્ધવ બાળાસાહેબ ઠાકરે...'', કહ્યું ત્યારે અનેરો ઉત્સાહ લોકોમાં આવી ગયો હતો. ઉધ્ધવે કહ્યુ હતું કે, હું છત્રપતિ શિવાજી મહારાજ અને મારા માતા-પિતાને સ્મરણ કરતા શપથ શરૂ કરું છું. શપથ લીધા બાદ ઉધ્ધવ ઠાકરે એ ઘુંટણીએ બેસી માથું નમાવી તમામનું અભિવાદન કર્યું હતું. જયાર બાદ તેઓએ પરિવાર સાથે સિદ્ઘિ વિનાયક મંદિરે દર્શન કર્યા હતા. ઉધ્ધવની સાથે શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ મંત્રીપદના શપથ લીધા હતા. એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળે શપથ લીધા હતા. બાલાસાહેબ થોરાટ જેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે નાગપુર ઉત્તર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે પણ શપથ લીધા હતા. ઉધ્ધવ ઠાકરેના શપથ સમારંભમાંમાં DMK અધ્યક્ષ સ્ટાલિન, મધ્ય પ્રદેશના CM કમલનાથ, MNS પ્રમુખ રાજ ઠાકરે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર ઉધ્ધવને શુભેચ્છાઓ પાઠવી હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ ઉદ્ઘવને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે શપથ સમારંભમાં સામેલ ન થવા પર તેમણે ખેદ વ્યકત કર્યો હતો. બંગાળના મુખ્યમંત્રી મમતા, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાએ પણ ઉધ્ધવને શુભેચ્છાઓ આપી હતી. આ પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે લઘુત્તમ સામાન્ય કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં સેકયુલર એટલે કે બિનસાંપ્રદાયિક શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રણે પક્ષોએ બંધારણમાં વર્ણિત બિનસાંપ્રદાયિકતાના મૂલ્યને જાળવવાની વાત કરી છે.

(3:39 pm IST)