Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મુખ્ય સચિવ તરીકે અનિલ મુકીમની પસંદગી પાછળ અનેક કારણોઃ વહીવટી તંત્ર ઉપર પક્કડ મજબુત બનશે

છેલ્લે સુધી અરવિંદ અગ્રવાલનું નામ આગળ હતું પરંતુ વડાપ્રધાન મોદીએ સૌને ચોંકાવ્યા

નવી દિલ્હી, તા., ૨૯: એક સમયે વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાણા, મહેસુલ સહીત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ અદા કરનાર અનિલ મુકીમની ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓ વડાપ્રધાન મોદીના અત્યંત વિશ્વાસુ કહેવાય છે અને તેમના નેતૃત્વમાં હવે ગુજરાતના વહીવટી તંત્રમાં મજબુત પક્કડ આવશે તેવું માનવામાં આવે છે. અમદાવાદ મીરરના એક અહેવાલ અનુસાર આ પદ માટે અરવિંદ અગ્રવાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પસંદગીના વ્યકિત હતા અને બે કોર્પોરેટ માંધાતાઓ પણ એ માટે આગ્રહ કરી રહયા હતા પરંતુ વડાપ્રધાને અનિલ મુકીમની પસંદગી કરી સૌને ચોંકાવી દીધા છે.

અમદાવાદ મીરરના અહેવાલ અનુસાર અનિલ મુકીમની મુખ્ય સચિવ તરીકે નિમણુંક કરવા પાછળ માત્રને માત્ર વડાપ્રધાન જ જવાબદાર છે. તેમની નિમણુંક પાછળ બીજા કોઇને હાથ નથી.

એવું કહેવાય છે કે ગુજરાતના વહીવટી તંત્રમાં થોડી સખળડખળ ચાલે છે તેની ફરીયાદ વડાપ્રધાન સુધી પહોંચતા તેમણે પોતાના વિશ્વાસુની નિમણુંક કરવાનું વ્યાજબી માન્યું હતું. એવંુ પણ કહેવાય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ ફુલફોર્મથી ગુજરાતની પ્રજાની સેવા કરી રહયા છે ત્યારે કેટલાક લોકો તેમને ભીંસમાં લેવા અથવા તો ઘેરવાના પ્રયાસો કરી રહયા છે. એવું પણ કહેવાય છે કે અનિલ મુકીમની નિમણુંક કરતી વેળાએ મુખ્યમંત્રીની પણ સલાહ લેવામાં આવી નહોતી. વહીવટી તંત્રમાં બહારની વ્યકિતનો  ચંચુપાત પણ વધ્યો હોવાની ફરીયાદ હાઇ કમાન્ડ સુધી પહોંચી હોવાનું પણ કહેવાય છે અને તેથી હાઇ કમાન્ડે બહુ સમજી વિચારી મુખ્ય સચિવની નિમણુંક કરી છે.

મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવતા અનિલ મુકીમ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવતા હવે વહીવટી તંત્ર ઉપર તેમની પક્કડ મજબુત બનશે એ નક્કી છે. તેઓ આવતીકાલે અથવા તો સોમવારે ચાર્જ સંભાળે તેવી શકયતા છે. તેઓ વહીવટી બાબતોમાં ખુબ જ સારી પક્કડ ધરાવે છે અને તેમની પાસે નાણા, મહેસુલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી કરવાનો બહોળો અનુભવ છે.

(11:32 am IST)