Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અમેરીકામાં ૫૭ વર્ષોનું સૌથી ભયંકર બરફનું તોફાનઃ કેલીફોર્નીયા- કોલોરાડોમાં ૩૦ ઈંચ બરફ પડયોઃ અંધારાપટ તોફાન પૂર્વ તરફ આગળ ધપશેઃ ૩૨ રાજયોને એલર્ટઃ હાઈવે બંધ

વોશિંગ્ટનઃ અમેરિકાના કેલિફોર્નિયામાં હિમવર્ષા, ઝડપી પવન અને વરસાદની સાથે ત્રાટકેલા બરફના ચક્રવાતી તોફાને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. માર્ગો પર બરફની ૩૦ ઈંચ જાડી ચાદર છવાઈ છે. દેશભરમાં ૬૦૦થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. જયારે ૫૦૦થી વધુ ફ્લાઈટો મોડી પડી હતી. થેન્કસગિવિંગની રજાઓ શરૂ થતાં પહેલાં જ ચક્રવાતી તોફાને અમેરિકીઓના પહેલાથી પ્લાનિંગ કરેલા કાર્યક્રમો બગાડી નાખ્યા હતા. આશરે ૫.૫ કરોડ અમેરિકીઓએ આ દરમિયાન ફરવાની યોજના બનાવી હતી. ગત રાત્રિએ તોફાની હિમવર્ષાને લીધે ડ્રાઈવર ૧૭ કલાક સુધી હાઈવે પર જ ફસાઇ રહ્યા. મિસૌરી, ઓરેગોનમાં ઝડપી પવનને લીધે વીજસપ્લાય ખોરવાયો હતો. ૧૭ હજારથી વધુ લોકો અંધારામાં રહેવા મજબૂર થયા હતા. શિકાગો એરપોર્ટ પર ફ્લાઈટો રદ થવાથી ૧૦૦૦થી વધુ યાત્રી પરેશાન થયા હતા. ડેનવર એરપોર્ટના પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પર બરફનાં થર જામી ગયાં હતાં.ઓરેગોનના હવામાન વિભાગના વડા માર્ક સ્પિલ્ડ અનુસાર અગાઉ ૧૯૬૨માં આવું બરફનું તોફાન આવ્યું હતું. તેમણે કહ્યું કે શુક્રવાર સુધી તોફાન પૂર્વ કિનારા તરફ વધશે. તેને જોતાં ૩૨ રાજયોમાં એલર્ટ જાહેર કરાયું છે. તમામ હાઈવે બંધ કરાયા છે.

(11:31 am IST)