Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

'ઠાકરે અને મોદી ભાઈ-ભાઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનતાં જ શિવસેનાએ વડાપ્રધાનના વખાણ કર્યા

'મહારાષ્ટ્રની જનતાએ જે નિર્ણય લીધો છે, દિલ્હી તેનું સન્માન કરે અને સરકારની સ્થિરતા ન ડગે, તેનું ધ્યાન રાખે'

મુંબઈ, તા.૨૯:  મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. શિવસેના, એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન 'મહારાષ્ટ્ર વિકાસ અદ્યાડી મોર્ચા'ના નેતા અને શિવસેના પ્રુમખ ઉદ્ઘવ ઠાકરેએ ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. એવું લાગી રહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ શિવસેનાનો મિજાજ બદલાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાના મુખપત્ર સામનમાં દરરોજ બીજેપી અને મોદી  સરકારી ટીકા કરવામાં આવી રહી હતી, પરંતુ આજે સામનાના સંપાદકીયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. અખબારમાં લખવામાં આવ્યું છે કે, ' ઉદ્ઘવ ઠાકરે અને નરેન્દ્રભાઇ મોદી ભાઈ-ભાઈ છે.'

સામનાએ પીએમ મોદીના વખાણ કરતાં લખ્યું કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં બીજેપી-શિવસેનામાં અબોલા છે, પરંતુ નરેન્દ્રભાઇ મોદી અને ઉદ્ઘવ ઠાકરેના સંબંધ ભાઈ-ભાઈના છે. તેથી મહારાષ્ટ્રના નાના ભાઈને વડાપ્રધાનના રૂપે સાથ આપવાની જવાબદારી મોદીની છે. વડાપ્રધાન સમગ્ર દેશના હોય છે, માત્ર એક પાર્ટીના નથી હોતા. નોંધનીય છે કે, ઉદ્ઘવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણમાં સામેલ થવા માટે આમંત્રણ પણ મોકલ્યું હતું. ઉદ્ઘવ ઠાકરેએ જાતે પીએમ મોદીને ફોન કર્યો હતો. જોકે, પીએમ મોદીએ આવવામાં અસમર્થતા વ્યકત કરતાં ફોન પર જ ઉદ્ઘવ ઠાકરેને શુભેચ્છાઓ પાઠવી હતી.

સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ નવી સરકાર અને મુખ્યમંત્રીને શુભેચ્છાઓ આપી છે. અમારી વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રનો વિકાસ તીવ્ર ગતિથી થશે. તેના માટે કેન્દ્રની નીતિ સહયોગવાળી હોવી જોઈએ.

(11:26 am IST)