Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

થાણેમાં ડોક્ટર બે દર્દી પાસે દોઢ લાખ માગતા ઝડપાયો

કોરોના કહેરમાં લેભાગુઓને લીલાલહેર : બંને દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલના સરકારી ક્વોટાના ICUમાં એડમિટ કરવાના હતા જેનો ચાર્જ હોતો નથી

થાણે, તા.૨૪ : કોરોના જાણે કેટલાક લોકો માટે તો રુપિયા કમાવવાનું મશીન બની ગયો છે. આવા એક કિસ્સામાં થાણેમાં એક ડૉક્ટર બે દર્દીઓ પાસેથી દોઢ-દોઢ લાખ રુપિયા માગતા ઝડપાયો છે. બંને દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલના સરકારી ક્વોટાના આઈસીયુમાં એડમિટ કરવાના હતા. જેના માટે દર્દીઓને કોઈ ચાર્જ આપવાનો નહોતો, પરંતુ ડૉક્ટરે દોઢ લાખ આપો તો એડમિટ કરીએ તેવી વાત કરી રુપિયા પડાવ્યા હતા.

ડૉ. પરવેઝ અઝીઝ શેખ (ઉં. ૪૨ વર્ષ)ને પોલીસે બે પાર્ટી પાસેથી કુલ ત્રણ લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની સાથે તેમના ચાર સાથીઓની પણ ધરપકડ કરાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સરકારી ક્વોટાના આઈસીયુ બેડ પર ડૉક્ટર અને તેના મળતિયાએ બે લોકો પાસેથી રુપિયા માગ્યા હતા. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જે પેશન્ટ પાસેથી રુપિયા પડાવાયા હતા તેને એડમિટ કરવા માટે એક નેતાએ ફોન પર હોસ્પિટલને ભલામણ કરી હતી. જોકે, હોસ્પિટલે બેડ ખાલી નથી તેવું કહી પેશન્ટને લેવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ, પેશન્ટ પાસેથી દોઢ લાખ જેવી માતબર રકમ પડાવીને થોડા કલાકોમાં તેને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયો હતો.

પોલીસે ડૉ. શેખની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી ૨૮ એપ્રિલ સુધી તેમની કસ્ટડી પ્રાપ્ત કરી છે. તેમની સામે કલમ ૪૨૦, ૩૮૬ હેઠળ ગુનો દાખલ કરાયો છે. જોકે, તેમના બાકીના સાથીઓ વિરુદ્ધ ક્યારે પગલાં લેવાશે તેની કોઈ વિગતો જાહેર નથી કરાઈ. થાણેમાં હજુ ૧૫ દિવસ પહેલા જ મેડિકલ હેલ્થ ઓફિસર રાજુ મુરુદકાર પાંચ લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. તેણે વેન્ટિલેટર પૂરા પાડતી એક કંપની પાસેથી ૩૦ વેન્ટિલેટરનું ટેન્ડર પાસ કરવા માટે ૧૫ લાખ રુપિયાની લાંચ માગી હતી. જેના ભાગરુપે પાંચ લાખ પહેલા હપ્તામાં અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી એક તરફ રોજના હજારો લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે લોકોની ગરજનો લાભ લઈને કેટલાક તત્વો રુપિયા કમાવાનો એકેય મોકો પણ નથી છોડી રહ્યા. આખા દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાંબજારની ઘટનાઓ સામે આવી રહી છે. ઓક્સિજનની પણ શોર્ટેજ હોવાના કારણે તેના પણ લોકોને વધારે રુપિયા ચૂકવવા પડી રહ્યા છે.

(7:19 pm IST)