Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

વસુલીકાંડ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે CBIએ દાખલ કરી FIR, અનેક ઠેકાણે દરોડા

બોમ્બે હાઇકોર્ટે CBI તપાસનો આદેશ કરતા આપ્યું હતું રાજીનામું

મુંબઈ, તા.૨૪: કૌંભાડના આરોપસર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ ફરિયાદ દાખલ કરો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત મુંબઈમાં દેશમુખના અનેક ઠેકાણા પર દરોડાં કરવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. શુક્રવારે જ સીબીઆઈ તેમની સામે પ્રારંભિક તપાસ પૂર્ણ કરીને કેસ દાખલ કરી દીધો હતો. જે બાદમાં શનિવારે સવારે સીબીઆઈએ તેમના વિવિધ ઠેકાણા પર દરોડાંની કાર્યવાહી આરંભી દીધી હતી.

ઉલ્લેખનીય કૌંભાડના આરોપસર કરવામાં આવેલી અરજીની સુનાવણી તરતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે, અનિલ દેશમુખ રાજયના ગૃહમંત્રી હોવાથી પોલીસ તેમની સમક્ષ નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. આથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે છે. જે બાદમાં તેઓએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે થયેલા આક્ષેપ મામલે બોમ્બે હાઇકોર્ટે તેમની સમક્ષ સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદમાં અનિલ દેશમુખે રાજીનામું ધરવું પડ્યું હતું. વકીલ જયશ્રી પાટિલની અરજી પર બોમ્બે હાઇકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. જે બાદમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી ગઈ હતી. રાજીનામા પહેલા બોમ્બે હાઇકોર્ટે CBIના મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ તરફથી મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપમાં ૧૫ દિવસની અંદર તપાસ શરૂ કરવાનો આદેશ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને એક પત્ર લખીને અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જે બાદમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. પરમબીર સિંહે ઉધ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં કહ્યુ હતુ કે, ગૃહમંત્રી દેશમુખે તેમને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાનું ઉઘરાણું કરવાની સૂચના આપી હતી. જોકે, પરમબીર સિંહના આરોપોનું દેશમુખે ખંડન કર્યું હતું. સાથે તેમણે રાજયના મુખ્યમંત્રીને આ આક્ષેપ અંગે તપાસ કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.મહારાષ્ટ્રના સીએમ ઉદ્ઘવ ઠાકરેને લખેલા પત્રમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિહે લખ્યું હતું કે, ગૃહમંત્રી દેશમુખે સચિન વાઝેને કહ્યું હતું કે તેમને દર મહિને ૧૦૦ કરોડનો ટાર્ગેટ મળ્યો છે. આ ટાર્ગેટને મેળવવા માટે ગૃહમંત્રી દેશમુખે વાઝેને કહ્યું હતું કે જો મુંબઈમાં રહેલા ૧૭૫૦ બાર અને રેસ્ટોરન્ટમાંથી ૨-૩ લાખ મળે તો પણ મહિનામાં ૪૦-૫૦ કરોડ રૂપિયા ભેગા કરી શકાય છે. પરમવીર સિંહે લખ્યું હતું કે, વાઝે તે દિવસે મારી ઓફિસમાં આવ્યો હતો અને આ ટાર્ગેટ વિશે જાણકારી આપી હતી. હું આ વાતચીતથી આશ્ચર્યચકિત હતો અને વિચારી રહ્યો હતો કે આ સ્થિતિથી કેવી રીતે નિપટાવી શકાય.

(11:52 am IST)