Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

અમેરિકાનો ડરામણો દાવો... ભારતમાં મેમાં કોરોનાથી રોજ ૫૬૦૦ના મોત થશે

આવતા દિવસોમાં ભારતમાં કોરોના વાયરસ બિહામણી રીતે ધુણશે : એપ્રિલથી લઇને ઓગસ્ટ સુધીમાં ૩ લાખથી વધુ લોકોના મોત થશે : કોરોનાથી મરનારાની સંખ્યા જુલાઇના અંત સુધીમાં ૬,૬૫,૦૦૦ સુધી પહોંચશે : મેના બીજા સપ્તાહમાં એક દિવસમાં મળનારા દર્દીઓની સંખ્યા ૮ લાખને પાર કરી જશે

નવી દિલ્હી તા. ૨૪ : ભારતમાં કોરોના વાયરસનો કહેર એટલી હદે વધી ગયો છે કે હવે હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મળતા નથી કે ઓકિસજન મળતું નથી. રોજ કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને બે હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા વેરવિખેર થઇ ગઇ છે. ચારેય તરફ ઓકિસજનથી લઇને બેડ અને દવાઓ માટે હાહાકાર મચી ચૂકયો છે. આ સંજોગોમાં અંદાજ લગાવો કે જ્યારે એક દિવસમાં આઠ લાખથી વધુ કેસ આવવા લાગશે અને પાંચ હજાર જેટલા મોત થશે ત્યારે દેશની હાલત શું થશે. અમેરિકી સ્ટડીમાં એ બાબતનું અનુમાન લગાવામાં આવ્યું છે કે, ભારતમાં મે ના મધ્યમાં કોરોના શિખર ઉપર હશે અને આ દરમિયાન રોજ પાંચ હજારથી વધુ લોકો મોતના મુખમાં ધકેલાય જશે.

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર અમેરિકી સ્ટડીએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસથી થનારા મોતનો આંકડો રોજ મેના મધ્ય સુધીમાં ૫૬૦૦ સુધી પહોંચી શકે છે. આનો અર્થ એ થયો કે એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે દેશમાં કોરોનાના કારણે લગભગ ૩ લાખ લોકો પોતાના જીવ ગુમાવી શકે છે.

વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇન્સ્ટીટયૂટ ફોર હેલ્થ મેટ્રીકસ એન્ડ ઇવેલ્યુએશન દ્વારા કોવિડ-૧૯ અનુમાનના નામથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. ૧૫ એપ્રિલે પ્રકાશિત આ અભ્યાસમાં એવી આશા વ્યકત કરવામાં આવી હતી કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની સ્પીડને રસીકરણ જ ઘટાડી શકે છે. આ સંસ્થાના નિષ્ણાંતોએ અભ્યાસમાં ચેતવણી આપી છે કે, આવતા સપ્તાહોમાં ભારતમાં કોરોના વાયરસથી સ્થિતિ વધુ વણસવાની છે. આ અભ્યાસ માટે નિષ્ણાંતોએ ભારતમાં સંક્રમણ અને મોતના વર્તમાન દરનું વિશ્લેષણ કર્યું છે.

આ અભ્યાસમાં અનુમાન લગાવામાં આવ્યું છે કે ભારતમાં ૧૦મી મે સુધીમાં એક દિવસમાં કોરોનાથી મરનારાની સંખ્યા ૫૬૦૦એ પહોંચી જશે. તો ૧૨ એપ્રિલથી ૧ ઓગસ્ટ વચ્ચે ૩.૨૯ લાખ લોકોના મોતનું અનુમાન લગાવામાં આવ્યું છે. આ પ્રકારે જુલાઇના અંત સુધીમાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૬,૬૫,૦૦૦ને પાર કરી જશે. અભ્યાસમાં એવું અનુમાન લગાવામાં આવ્યું છે કે મેના બીજા સપ્તાહ સુધીમાં દેશમાં એક દિવસમાં મળનારા દર્દીઓની સંખ્યા ૮ લાખને પાર કરી જશે.  કોરોના હાલ દિવસેને દિવસે વધુ બિહામણો બનતો જાય છે. ભારતમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાય રહ્યા છે.

(10:56 am IST)