Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ઉત્તરાખંડમાં ફરીથી ગ્લેશિયર તૂટતા અનેક ગામો સંપર્ક વિહોણા

ભારત ચીન સરહદને જોડતો રોડ સુમના 2 પર ગ્લેશિયર તુટયાના અહેવાલ : ભારે બરફવર્ષાના કારણે આ ગ્લેશિયર તૂટ્યો

ઉત્તરાખંડમાં એક વખત ફરીથી આપત્તિ આવી છે. ભારત ચીન સરહદને જોડતો રોડ સુમના 2 પર ગ્લેશિયર તૂટવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ભારે બરફવર્ષાના કારણે આ ગ્લેશિયર તૂટ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે જ્યાં આ ઘટના બની છે ત્યાં મજૂરો રોડ કટિંગનું કામ કરે છે. બીઆરઓના અધિકારીઓ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી સફળતા મળી નથી.

 અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ અને બરફવર્ષાના કારણે ચમોલી જીલ્લામાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. બદરીનાથ ધામમાં ચાર ફૂટ અને હેમકુંદ સાહિબમાં પાંચ ફૂટ જેટલો બરફ જામી ગયો છે.

કેટલીય જગ્યા પર બરફવર્ષાના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેના કારણે ત્યાં પહોંચવું પણ મુશ્કેલ છે. NDRFના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્લેશિયર તૂટ્યા બાદથી રૈણી ઋછિ ગંગા નદીનું જશસ્તર વધી ગયું છે અને સ્થિતિ ચિંતાજનક થઇ છે. મળતી માહિતિ પ્રમાણે નદીના જળસ્તરમાં બે ફૂટનો વધારો થયો છે. જોકે, રાહતના સમાચાર તે છે કે, અત્યાર સુધી જાન માલનું નુકસાન થયું નથી.

સુરક્ષા અને બચાવ એજન્સીઓ ઘટનાસ્થળ પર પહોંચવાના પ્રયત્નોમાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી તે વિસ્તારમાં ભઆરે બરફવર્ષા થઇ રહી છે જે હજું પણ શરુ જ છે. ગ્લેશિયર પણ આજ કારણે તૂટ્યો છે. ગ્લેશિયર તૂટ્યા બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. આ બધા લોકોના મનમા ફેબ્રુઆરીમાં ચમોલીમાં તૂટેલા ગ્લેશિયરની યાદ તાજી થઇ ગઇ છે. શુક્રવારે તૂટેલા આ ગ્લેશિયરથી પણ ઘણો મોટો વિસ્તાર પ્રભાવિત થયો છે અને અનેક ગામો સાથેનો સંપર્ક તૂટ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગત સાત ફેબ્રુઆરીના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની ઘટના બની હતી. જેમાં 205 લોકો ગુમ થયા હતા અને 79 લોકોના મોત થયા હતા. સરકારના ઘણા મોટા પ્રોજક્ટ પણ તબાહીનો ભોગ બન્યા હતા

(9:32 am IST)