Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કર્ણાટકનો ચેપ મહારાષ્ટ્રમાં પહોંચ્યો

હવે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ-એનસીપીના ધારાસભ્યો ખડવાનું જોખમઃ ભાજપામાં જોડાવાની શકયતા

મુંબઈઃ. કર્ણાટક અને ગોવા પછી હવે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ અને એનસીપી સામે ધારાસભ્યો તૂટવાનું જોખમ ઉભુ થઈ રહ્યુ છે. આ સંકટ સપ્ટેમ્બર-ઓકટોબરમાં થનાર વિધાનસભા ચૂંટણીઓ નજીક આવવાની સાથે ગાઢ થઈ રહ્યુ છે. બન્ને પક્ષો સામે ભાજપા-શિવસેના ઉપરાંત પ્રકાશ આંબેડકરના વંચિત બહુજન અઘાડીથી પણ ધારાસભ્યોને બચાવવાનો પડકાર છે. મુંબઈમાં ગઈકાલે કોંગ્રેસ-એનસીપીના નેતાઓ વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવા બંધ બારણે ભેગા થયા ત્યારે વિધાનસભ્યોને સાચવી રાખવાની કસરત બાબતે ખાસ્સી ચર્ચાઓ થઈ હતી. સૂત્રો અનુસાર, કોંગ્રેસ-એનસીપીના પાંચ ધારાસભ્યો ટૂંક સમયમાં જ ભાજપામાં સામેલ થવાની જાહેરાત કરી શકે છે. જ્યારે ટીકીટ ફાળવણી પર નજર રાખીને બેઠેલા એક ડઝનથી પણ વધારે ધારાસભ્યો ગમે ત્યારે છાવણી બદલવાનો લાગ જોઈને બેઠા છે.

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં બીગ બ્રધરના રોલમાં નહી હોય. રાજયમાં ૨૮૮ બેઠકો છે. ગઈ વખતે બન્ને પક્ષો અલગ અલગ લડયા હતા. જેમાં કોંગ્રેસને ૪૨ અને એનસીપીને ૪૧ બેઠકો મળી હતી પણ હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં બન્ને સાથે મળીને લડયા હતા. જેમાં એનસીપીને ૪ અને કોંગ્રેસને એક બેઠક મળવાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

(3:37 pm IST)