Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પોલિસી વહેલી બંધ કરાવાય તો ૯૦% સુધી પૈસા મળશે

બંધ થયેલી પોલિસી પાંચ વર્ષ સુધીમાં થઇ શકશે રિન્યુ વિમા પ્રીમિયમ ઓછું કરાવી શકશે ગ્રાહક

નવી દિલ્હી તા. ૧૭ :.. ગ્રાહકો માટે હવે પારંપરિક અથવા બજાર સાથે જોડાયેલી વિમા યોજના બંધ કરાવવી અથવા બંધ પોલીસીને ફરીથી ચાલુ કરવી સરળ બનશે.

ઇરડાએ આના માટે નવા દિશા નિર્દેશો બહાર પાડયા છે. જેને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આનાથી વિમા ધારકોને સાત વર્ષ સુધી પોલિસી ચલાવ્યા પછી બંધ કરે તો ૯૦ ટકા સુધીની રકમ મળી શકશે. નવા દિશા નિર્દેશો અનુસાર, બજાર સાથે જોડાયેલ જીવન વિમા યોજનાઓમાં વીમા ધારકનું મોત થાય તો લઘુતમ વિમીત રકમ વાર્ષિક પ્રીમિયમના સાત ગણાથી ઓછી નહીં હોય, પહેલા તે દસ ગણી હતી.

નિષ્ણાતોનું કહેવું છે કે વીમિંત રકમ ઘટવાથી મોર્ટેલીટી પડતર પણ ઓછી થશે, તેના કારણે વધારે પૈસાનું રોકાણ થશે અને વધારે સારૂ રિટર્ન મળશે. સિંગલ પ્રીમીયમ ઉત્પાદનો ઉપરાંત લઘુતમ ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ સંગ્રહના ૧૦પ ટકાથી ઓછું નહીં હોય. નિષ્ણાતોનું માનવું છે કે નવા ફેરફારથી વિમા પોલિસીમાં લચકતા આવશે અને તેને સુરક્ષાની સાથે રોકાણનું સાધન પણ માનવામાં આવશે. (પ-૧પ)

શું છે નવી નીતિમાં

* બજાર સાથે જોડાયેલી વીમા પોલીસીને ફરીથી ચાલુ કરાવવાની મુદત ૩ વર્ષ કરાઇ છે.

* પારંપરિક વીમા ઉત્પાદનો માટે આ મુદત પાંચ વર્ષ કરાઇ છે.

* વીમાનું પ્રીમિયમ પાંચ વર્ષ પછી ઘટાડી શકાશે.

* એક વાર પ્રીમિયમ ઘટાડયા પછી ફરી નહીં વધારી શકાય.

* જીવન વીમા પોલિસીનું કવરેજ ૮૦ વર્ષની વય સુધી વધારી શકાશે.

* પ વર્ષ પછી પોલિસી સરેન્ડર કરાય તો પ૦ ટકા પૈસા પાછા મળશે.

* પેન્શન સાથે જોડાયેલ વીમા ઉત્પાદનોને એનપીએસની બરાબરીમાં લાવી દેવાયા છે.

(11:57 am IST)