Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ઉત્તરપ્રદેશ : અંતે પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સ્વતંત્રદેવસિંહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નજીકના વિશ્વાસુ તરીકે સ્વતંત્રદેવસિંહ છે : વિદ્યાર્થી કાળથી કાર્યકર તરીકે સક્રિય રહ્યા હતા : પૂર્વાંચલ પર ધ્યાન હશે : ચંદ્રકાંત પાટીલને મહારાષ્ટ્રની જવાબદારી

લખનૌ, તા. ૧૬ : ભાજપે આજે પોતાના પ્રાદેશિક સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે આજે કેટલાક મોટા ફેરફાર કર્યા હતા જેના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ જ નજીકના ગણાતા વિશ્વાસુ સ્વતંત્રદેવસિંહને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે ઉત્તરપ્રદેશ ભાજપના પ્રદેશ સંગઠનમાં ફેરફાર કર્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહની જગ્યાએ જેપી નડ્ડાને કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ ભાજપે હવે પોતાના પ્રાદેશિક સંગઠનમાં ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે. પ્રદેશના પરિવહન મંત્રી સ્વતંત્રદેવ સિંહને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપની વનમેન, વનપોસ્ટ પોલિસી મુજબ મહેન્દ્રનાથ પાંડેને મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા બાદથી એક બાબત નક્કી થઇ ગઇ હતી કે, ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ પદની જવાબદારી અન્ય કોઇને આપવામાં આવશે. આના ભાગરુપે આજે સ્વતંત્રદેવ સિંહને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સ્વતંત્રદેવ સિંહ હાલમાં ઉત્તરપ્રદેશ સરકારમાં પરિવહન, પ્રોટોકોલ, ઉર્જા વિભાગની જવાબદારી સંભાળે છે. ઉત્તરપ્રદેશના મિરઝાપુરના મૂળ નિવાસી સ્વતંત્ર દેવસિંહને અધ્યક્ષ બનાવીને પાર્ટીએ ફરી એકવાર પૂર્વાંચલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. આ પહેલા મહેન્દ્રનાથ પાંડેને પણ પ્રદેશ અધ્યક્ષ બનાવીને પૂર્વાંચલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. વિદ્યાર્થી રાજનીતિથી જાહેર જીવનની શરૂઆત કરનાર સ્વતંત્રદેવસિંહ લાંબા સમયથી વિદ્યાર્થી પરિષદના કાર્યકર રહ્યા હતા. ભાજપ યુવા મોરચાની સાથે કાનપુર અને બુંદેલખંડમાં કામ કર્યું હતું. બીજી બાજુ મહારાષ્ટ્રમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજસાહેબ દાનવેને કેન્દ્રમાં અને આશીષ સેલારને ફડનવીસ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મુંબઈ અધ્યક્ષ પદ પર નવી નિમણૂંકો કરી દેવામાં આવી છે. ચંદ્રકાંત દાદા પાટીલને મહારાષ્ટ્ર ભાજપ અને મંગળપ્રભાત લોઢાને મુંબઇ મહાનગર ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ નિમણૂંકો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. રાવસાહેબને પણ મંગળવારના દિવસે અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે ભાજપ મંત્રી ચંદ્રકાંત પાટીલનું નામ પહેલાથી જ ચાલી રહ્યું હતું. ગીરીજ મહાજન અને ગીરીશ બાપતના નામ પણ ચર્ચામાં હતા. આખરે પાટીલને જવાબદારી સોંપવામાં આવી છે. લોઢાને પણ મોટી જવાબદારી મુંબઈમાં સોપવામાં આવી છે.

(12:00 am IST)