Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડી વધશે : તાપમાન ગગડશે

નલિયામાં તાપમાન ૧૧ ડિગ્રી થતાં તીવ્ર ઠંડી : અમદાવાદ શહેરમાંય સવારમાં લોકોને ઠંડીનો અનુભવ લોકો વધુ સાવધાન થયા : ઠંડી વધતા લોકો ગરમ વસ્ત્રોમા

અમદાવાદ,તા. ૨૯ : ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી સુધી રહ્યું હતું જ્યારે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન ૧૮.૮ ડિગ્રી રહ્યું હતું. ઠંડીમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદ શહેરમાં સ્થિતિ આદર્શ રહી હતી. સવારમાં ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. પાટનગર ગાંધીનગરમાં પારો ૧૮.૬ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યમાં હવે સવારના ગાળામાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જો કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં તો સવારમાં લોકો ઠંડી અનુભવી રહ્યા છે. સવારમાં ઓફિસ જતા લોકો હવે ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

                 આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. તાપમાનમાં આગામી બે દિવસ દરમિયાન કોઇ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી પરંતુ ઠંડા પવનોના લીધે ફુલગુલાબી ઠંડીનો અનુભવ હવે લોકોને થઇ રહ્યો છ.વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

(9:14 pm IST)