Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

૮ પાલીકામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સોલાર સિસ્ટમ લગાડાશેઃ વિજયભાઇ રૂપાણી

સોલાર એનર્જી થકી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલન માટે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસરઃ સોલાર સીસ્ટમથી વિજળી ઉત્પન કરવા ગુજરાતમાં પાયલોટ પ્રોજેકટ તૈયાર

ગાંધીનગર, તા., ર૯: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રીન્યુએબલ એનર્જીને પ્રાધાન્ય આપી સોલાર એનર્જી થકી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલન માટે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં અગ્રેસર છે. રૂપાણી સરકાર દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર સિસ્ટમથી વીજળીનું ઉત્પાદન કરવાનો અને તે જ વીજળીથી પ્લાન્ટને ચલાવવા માટેનો પાયલોટ પ્રોેજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેકટમાં રાજ્યની ૮ નગરપાલિકાઓનો સમાવેશ કરી સોલાર સિસ્ટમથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવી વીજબીલના ખર્ચનું ભારણ ઓછુ કરવામાં આવશે. રાજ્યની ૮ નગરપાલિકાઓમાં ૧૭૭ એમએલડીની ક્ષમતાનાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર સિસ્ટમ કાર્યરત થતા વાર્ષિક રૂ. ૨.૧૫ કરોડની વીજબીલની બચત થાય તેવો અંદાજ છે.

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલનમાં રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી વીજબીલના ખર્ચને પહોંચી વળવા તથા રીન્યુએબલ એનર્જી વપરાશમાં વધારો કરવા હાલમાં પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યની ૮ નગરપાલિકાઓમાં ૧૭૭ એમએલડી (૧૭૭૦ કરોડ લીટર) ની ક્ષમતામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર સિસ્ટમ લગાડી વીજ ઉત્પાદન કરી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર સિસ્ટમથી વીજળી ઉત્પાદન કરવાના આ પાયલોટ પ્રોજેકટમાં નડિયાદ, પેટલાદ, ધોળકા, વલસાડ, ગોધરા, પાટણ, હિંમતનગર અને વાપી નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

સ્વચ્છ અને સુંદર, ગ્રીન એન્ડ કિલન શહેરોના નિર્માણના અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહેતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શહેરીજનોને મૂળભૂત સુવિધા પૂરી પાડવાના આશયથી ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ઘરગથ્થુ ગંદા પાણીને પાઇપલાઇન નેટવર્ક મારફતે એકત્રિત કરી ગંદા પાણીના શુદ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટ સુધી લઇ જવાશે. શુદ્ધ થયેલા પાણીનો રીયુઝ કરવાની આ યોજનાના સંચાલન દરમિયાન વીજબીલનો ખર્ચ મહત્તમ હોય છે. જેને પગલે વીજબીલના ખર્ચ તથા વીજ વપરાશ માટે વિકલ્પ વિચારવો આવશ્યક છે. જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુચન મુજબ રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

(3:43 pm IST)