Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વિજયભાઈ રૂપાણી દ્વારા પોલીસ કર્મચારીઓ- અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ ચંદ્રક એનાયત

ગુજરાત પોલીસદળના ૧૬૮ પોલીસ કર્મચારી- અધિકારીઓને તેમની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા માટે વર્ષ- ૨૦૧૪ થી ૨૦૧૯ના પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસના અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઞ્પ્ઝ્રઘ્ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં અપાયા હતા. મુખ્યમંત્રીએ ૧૮ પોલીસ ચંદ્રક તેમજ ૧૫૦ પોલીસ પદક એનાયત કર્યા હતા. ૯ પોલીસ અધિકારી- કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમજ ૯ જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ ૧૮ પદક જાહેર કરાયા હતા. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મત વ્યકત કર્યો કે, ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજયની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ જ કારણોથી ગુજરાતની કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ દેશભરમાં લેવાય છે. ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે ગુન્હો આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજજતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે એમ પણ તેમણે જણાવ્યું હતું.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પોલીસના જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેથી ગુજરાત પોલીસ અને રાજયનું ગૌરવ વધ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ આધુનિક તકનીકનો ઉપયોગ કરી સમય સાથે તાલ મિલાવી રહી છે. તેઓએ કહ્યું કે, ગુજરાતમાં ક્રાઇમ રેટ અને ક્રાઇમ ડિટેકશન રેટ મેન્ટેઇન કરવામાં આવ્યો છે અને આથી જ લોકોની ફરિયાદ- સમસ્યાઓ નિવારી શકયા છીએ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શહેરોમાં વસતી ગીચતા વધી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આવા અનેક પડકારોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં થનારા શકય ગુનાઓને નિવારવા આગોતરૃં આયોજન કરવામાં આવી રહ્યું છે.

(1:04 pm IST)