Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

આ ભારત ભૂમિ ફળદાયી છે, જ્યાં ભગવાન શ્રીદત્તાત્રેય, ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ગાંધીજી અને વલ્લભભાઇ જેવા મહાન પુરુષોએ જન્મ ધારણ કરેલ છે.શા.માધવપ્રિયદાસજી સ્વામી

SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા પ્રારંભ ગુજરાતની ૪૦ પાઠશાળાઓમાંથી ૩૫૦ ઋષિકુમારો ભાગ લઇ રહ્યા છે. અને સાથે ૫૦ નિર્ણાયકો સહિત ૧૦૦ જેટલા પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત

અમદાવાદ : ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી, SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના યજમાન પદે  તા.૨૭ નવેમ્બરથી ૨૯ નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા શરુ  થયેલ છે.

    જેમાં વ્યાકરણ શલાકા, સાહિત્ય શલાકા, મીમાંસા શલાકા, ન્યાય શલાકા, પુરાણેતિહાસ શલાકા, વેદાન્ત શલાકા, વ્યાકરણ ભાષણમ્ વગેરે ૨૭ વિષયો રાખવામાં આવેલ છે

    આ સ્પર્ધામાં ગુજરાતની ૪૦ જેટલી પાઠશાળાઓમાંથી ૩૫૦ ઋષિકુમારો ભાગ લઇ રહ્યાછે. સાથે સાથે ૫૦ નિર્ણાયકો સહિત ૧૦૦ જેટલા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા છે.

    તા.૨૭-૧૧-૨૦૧૯ સવારે ૧૧ કલાકે ઉદઘાટન પ્રસંગે વિશાળ સભાગૃહમાં સ્વામી માધવપ્રિયદાસજી, શ્રી સોમનાથ સસ્કૃત યુનિ.ના કુલપતિશ્રી ગોપબંધુ મહોદય, આર.સી. પ્રજાપતિ મહોદય, બીપીનભાઇ જોષી, અજયભાઇ ઠાકર, અજયભાઇ ભટ્ટ (ભાગવત વિદ્યાપીઠ), પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી, રવિભાઇ ત્રિવેદી, શ્રી ભોગાયતા સાહેબ,  અર્જુનાચાર્ય ના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામા આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે SGVPની આ પૂણ્ય ભૂમિમાં પ્રત્યેક ક્ષેત્રના અનેક મહાનુભાવો પધારે છે. પણ આજે આટલી વિશાળ સંખ્યામાં સંસ્કૃત ભાષાના મર્મજ્ઞો પધાર્યા છે એટલે આ ભૂમિ વિશેષ પાવન થઈ છે.

    આપણા ઋષિમુનિઓએ વિશ્વના કોઈ ધર્મે ન આપ્યા હોય એવા સૂત્રો આપ્યા છે. એમાંથી એક છે - વસુધૈવ કુટુંબકમ્ - સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આપણે સંસ્કૃત ભાષાને નાત-જાત, ધર્મના સીમાડા બાંધવા ન જોઈએ. વિશ્વની કોઈપણ વ્યક્તિ સંસ્કૃત ભણે એમાં આપણે પ્રસન્ન થવું જોઇએ.

    ઋષિઓનું બીજું સુત્ર છે - ન માત્ર માણસજાત પણ પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ.

    ત્રીજું સૂત્ર છે - આપણે દેહ કેન્દ્રિત નથી, દેહમાં વિરાજમાન દેવને પૂજનારા છીએ.

    ચોથું સૂત્ર છે - આપણે સંવાદના સાધકો છીએ, વિવાદના નથી. સંસ્કૃતનું કામ જાતજાતના ભેદભાવથી પર ઊઠીને આપણા ઋષિમુનિઓએ આપણને વિવિધતામાં એકતાના દર્શનની દ્રષ્ટિ આપી છે.

    આ પ્રસંગે આસ. સી. પ્રજાપતિ સાહેબે જણાવેલ કે, દર વરસે રાષ્ટ્ર કક્ષાએ જેજે ઋષિકુમારો વિજેતા થાય તેને આવા પ્રસંગે બોલાવી તેનું સન્માન કરવું જોઇએ.

  વેરાવળ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ. ના કુલપતિએ રામાયણનો હનુમાનજીનો પ્રસંગ વર્ણવતા કહ્યું હતું કે, હનુમાનજી પાસે ચાર સદ્ગુણો હતા - ધૃતિ, દ્રષ્ટિ, મતિ અને દક્ષતા. આ ચારને લીધે હનુમાનજી સીતાજીની શોધમાં સફળ થયા હતા. જે વિદ્યાર્થી પાસે આ ચાર વસ્તુ હશે તે અવશ્ય સફળ થશે.

સભાનું સંચાલન સંસ્કૃત ભાષામાં થયું હતું. એનો દોર પંકજભાઈ રાવળ અને ચિંતનભાઇ જોષી સંભાળતા હતા.

(1:03 pm IST)