Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજ્ય સરકારનો મોટો નિર્ણય :આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરવા માટે સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાંથી રાજ્ય સહકારી સંઘ કે જિલ્લા સહકારી સંઘની મંજૂરી મેળવ્યા સિવાય ધર્માદા ફંડ વાપરી શકશે

જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને ઓક્સીજન પ્લાન્ટ ત્વરીત ઉભા કરવા રાજ્ય સરકારનો અનુરોધ

ગાંધીનગર : કોવીડ-૧૯ (કોરોના)ની મહામારી સામે લડવા આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ બનાવવાના હેતુસર સહકારી સંસ્થાઓ તેમના ધર્માદા ફંડમાંથી રાજ્ય સહકારી સંઘ કે જિલ્લા સહકારી સંઘની મંજૂરી મેળવ્યા સિવાય ધર્માદા ફંડ વાપરી શકશે તેવો રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો હોવાનું સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.
   યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ (COVID-19)ની મહામારીને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રજા કલ્યાણલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે લેવાયેલા વધુ એક હિતકારી નિર્ણય અનુસાર સહકારી સંસ્થાઓ તેમના વિસ્તારમાં (COVID 19)ની મહામારીમાં સામાજીક દાયિત્વ અદા કરવાના હેતુથી તબીબી સુવિધા સહિત જાહેર સેવાના હેતુ માટે કોઈપણ સંસ્થા પોતાના ધર્માદા ફંડમાંથી રાજ્ય કે જિલ્લા સહકારી સંઘની મંજુરી મેળવ્યા સિવાય તા.૩૦/૦૯/૨૦૨૧ સુધી ધર્માદા ફંડ વાપરી શકશે.
તદુપરાંત હાલમાં કોવીડ-૧૯ની મહામારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને સરળતાથી ત્વરિત ઓક્સીજન મળી રહે તે હેતુથી રાજ્યમાં આવેલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને જરૂરી કાર્યવાહી કરી ઓક્સીજન પ્લાન્ટ ત્વરીત ઉભા કરવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(8:11 pm IST)