Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોરોના મહામારીમાં પારસી સમાજે પરંપરા છોડી દેવી પડીઃ વલસાડના પારસી પરિવારે મૃતદેહને કુવામાં મુકી દેવાના બદલે અગ્નિદાહ આપ્યો

વલસાડ: દરેક ધર્મમાં મૃતદેહની અંતિમ વિધિ અલગ અલગ છે. હિન્દુ રીતરિવાજ મુજબ મૃતદેહને બાળવામાં આવે છે. તો મુસ્લિમ ધર્મમાં દફનાવવામાં આવે છે. ત્યારે પારસી ધર્મમાં મૃતદેહને કૂવામાં ખુલ્લામાં મૂકી દેવાય છે, જેથી પક્ષીઓને તે શરીર ઉપયોગી નિવડે છે. પરંતુ કોરોનામાં આ પ્રકારની વિધિ જોખમી હોવાનું પારખીને વલસાડના એક પારસી પરિવારે પોતાની વર્ષો જૂની પરંપરાને તિલાંજલિ આપી હતી.

પારસી પરિવારે મૃતકના અગ્નિદાહ કર્યા

પારસી સમુદાયમાં રીતી રિવાજ છે કે, કોઇનું પણ અવસાન થાય તો તેના પાર્થિવ શરીરને કૂવામાં મૂકી દેવામાં આવે છે. પરંતુ વલસાડના એક પારસી પરિવારે શહેરના પારડી સ્મશાનમાં પોતાના પરિજનના મૃતદેહને અગ્નિ આપી હતી. કોરોનાને કારણે તેમણે પોતાના સમુદાયની પરંપરા તોડી હતી.

કોરોનામાં પરંપરા તોડવી જરૂરી બન્યું

બન્યું એમ હતું કે, મંગળવારે વલસાડનાં વતની ફિરદોસ જાલની તબિયત બગડતાં તેઓને વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. ત્યારે તેમના સ્વજન અસ્પી સૂઈએ ફિરદોસ જાલનીના હિન્દુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કર્યા હતા. આ વિશે તેમણે કહ્યું કે, મૃત્યુ પામનારનાં પાર્થિવ શરીરને કૂવામાં ધાર્મિકવિધી કરી મૂકી દેવામાં આવે છે. જેથી પક્ષીઓને તે શરીર ઉપયોગી નિવડે છે. પરંતુ હાલમાં કોરોના મહામારીનાં કારણે તેઓના પરિવારે અગ્નિદાહ આપવાનો નિર્ણય લઇ તેઓના પાર્થિવ શરીરને પારડી સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપ્યો હતો. પોતાના રીતરિવાજો તોડીને કોરોના મહામારીનાં કારણે અગ્નિદાહ આપ્યો હતો

(4:51 pm IST)