Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કાંકરિયા દુર્ઘટના મામલે છ આરોપીઓના રિમાન્ડ : યશ પટેલ રાઇડનું ઇન્સ્પેક્શન કરતો હોવાનું ખુલ્યું

સંચાલકનો ભત્રીજો યશ પટેલ ચેકીંગ રિપોર્ટ આપતો

અમદાવાદમાં કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટવાની ગંભીર ઘટનામાં 6 આરોપીઓના રિમાન્ડ લેવાયા છે.રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં સંચાલકનો ભત્રીજો યશ પટેલ જ રાઈડનું ઇન્સ્પેક્શન કરતો હોવાનું ખુલ્યું છે

  ગત 6 જુલાઈએ ડિસ્કવરી રાઇડનો ટેસ્ટિંગ અને ચેકીંગનો રિપોર્ટ પણ યશ પટેલે જ બનાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે.આ સમગ્ર મામલામાં સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાઠગાંઠ બહાર આવી છે. 6 જુલાઈના સેફ્ટી રિપોર્ટમાં એન્જીનિયર તરીકે યશ પટેલની જ સહી છે.

 તમામ રાઈડની ચકાસણી કરી અને યશ પટેલ જ રિપોર્ટ પર સહી કરતો હતો. યશ પટેલે આ વાત પોલિસ સમક્ષ કબુલી લીધી છે. યશના નિવેદન મુજબ પોતે ડિપ્લોમા મિકેનિકલની ડિગ્રી ધરાવે છે. પોલિસે હાલ તેની ડિગ્રીના ડોક્યુમેન્ટ મંગાવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે.

  રાઈડ તૂટવા 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી ગુરુવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એજન્સીના જ માણસો ફિટનેસ અંગેનો રિપોર્ટ બનાવી કોર્પોરેશનમાં આપી દેતા હતા અને કોર્પોરેશન તંત્ર આ રિપોર્ટની કોઈ તપાસ જ કરતું નથી.

(10:11 pm IST)