Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ચાર ફિલ્મો 'કમાન્ડો-૩', 'યે સાલી આશિકી', 'લવ યુ ટર્ન' અને 'હોટેલ મુંબઇ' આજથી રિલીઝ

આજથી ચાર ફિલ્મો 'કમાન્ડો-૩', 'યે સાલી આશિકી', 'લય યુ ટર્ન' અને 'હોટેલ મુંબઇ' રિલીઝ થઇ છે.

નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને મોશન પિકચર્સની ફિલ્મ 'કમાન્ડો-૩' અગાઉની કમાન્ડો સિરીઝની ત્રીજી ફિલ્મ છે. જેનું નિર્દેશન આદિત્ય દત્તે કર્યુ છે. ફિલ્મમાં...

કહાની જોઇએ તો ભારતમાં એક ખાસ મિશનનું પ્રશિક્ષણ મેળવી રહેલા ત્રણ છોકરાઓને તેના નકલી પાસપોર્ટને આધારે એટીએસ પકડી લે છે. આકરી પુછતાછ થતાં એક રહસ્યમયી વ્યકિત સામે આવે છે જેણે આ ત્રણેય છોકરાઓના મગજમાં ભારત વિરૂધ્ધ ઝેર ભરી દીધું હોય છે.

આ રહસ્યમયી વ્યકિત લંડનમાં છે અને ત્યાંથી બધુ કામ કરે છે. કરણસિંહ ડોગરા આ શખ્સની તલાશમાં લંડન પહોંચે છે. તપાસ કરતાં તેને ખબર પડે છે કે એ શખ્સનું નામ બુરાક અંસારી છે. બ્રિટીશ ઇન્ટેલિજન્સમાંથી તેને ભાવના રેડ્ડી, મલ્લિકા સૂદ અને અરમાન અખ્તરની સહાયતા મળે છે. ભારત પર હુમલો કરવાની યોજના બુરાક બનાવી રહ્યો હોય છે. તેણે જે ટાઇમ બોમ્બ બનાવ્યો છે તેને કોઇપણ રીતે નિફષ્ળ બનાવવાનો હોય છે. કમાન્ડો આ કામ કરી રીતે પાર પાડે છે? કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? એટીએસએ પકડેલા ત્રણ છોકરા જ ભારતમાં છે કે બીજા પણ છે? આ તમામ સવાલોના જવાબ કમાન્ડો-૩ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં વિદ્યુત જામવાલ (કરણવીર સિંહ ડોગરા)ના રોલમાં છે. અદા શર્મા, અંજીરા ધાર, ગુલશન ધવન, રાજેશ તૈલંગ, વિક્કી કાદીયન, અભિલાષ ચતુર્વેદી, સુમિત ઠાકુર, માર્ક બેનીંગ્ટન, અથર્વ વિશ્વકર્મા સહિતના કલાકારોની ભુમિકા છે. અગાઉની બે કમાન્ડો ફિલ્મની જેમ જ આ ફિલ્માં એકશન અને થ્રિલરનો ભરપૂર ડોઝ હશે. ફિલ્મના ટ્રેલરે ખુબ ઉત્સુકતા જગાડી હતી.

બીજી ફિલ્મ 'યે સાલી આશિકી'ના નિર્માતા રાજીવ અમરીશ પુરી, ડો. મીના રાજીવ પુરી, ધવલ જયંતિલાલ ગડા અને અક્ષય જયંતિલાલ ગડા તથા નિર્દેશક ચિરાગ રૂપારેલ છે. ફિલ્મમાં સંગીત હિતેષ મોદકનું છે અને કહાની વર્ધાન-ચિરાગે લખી છે. રોમાન્ટીક થ્રિલર પ્રકારની આ ફિલ્મ થકી બોલીવૂડના મોગેમ્બો સ્વ. અમરિશ પુરીનો પોૈત્ર વર્ર્ધાન પુરી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. તેની સાથે શિવાલીકા ઓબેરોય, સ્વામી ઓમ સહિતના કલાકારો છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. મ્યુઝિકલ રોમાન્ટીક થ્રિલર ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરીને વર્ધાન ખુશ છે. વર્ધાન પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને અભિનય પ્રત્યે રૂચી જાગી હતી. સ્વ. અમરિશ પુરીને પણ વર્ધાનમાં તે વખતે જ એક કલાકાર દેખાઇ ગયો હતો.

જ્યારે ત્રીજી ફિલ્મ 'લવ યુ ટર્ન'ના નિર્માતા સંદિપ વર્મા, આનંદ ઠાકોર અને નિર્દેશક હરિષ રાઉત છે. ફિલ્મમાં રૂશલાન મુમતાઝ, અધ્વિક મહાજન, પુર્વા રાણા અને રૂહી ચતુર્વેદીની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મનું શુટીંગ ભારત અને થાઇલેન્ડમાં થયું છે. બે કલાક ત્રણ મિનીટની આ ફિલ્મમાં અનોખી લવસ્ટોરી જોવા મળશે. રોમાન્ટીક ડ્રામા એવી આ ફિલ્મમાં લવ ટ્રાયેંગલ છે. પૂર્વા રાણાની આ પહેલી ફિલ્મ છે. રૂશલાન મુમતાઝ અગાઉ ૨૦૦૭માં મેરા પહેલા પહેલા પ્યાર નામની ફિલ્મ તથા એ પછી કહેતા હૈ દિલ જી લે જરા નામના ટીવીશોમાં કામ કરી ચુકયો છે. અંજના મુમતાઝનો આ દિકરો હવે ફરીથી ફિલ્મી પરદે આવ્યો છે.

ચોથી ફિલ્મ 'હોટેલ મુંબઇ'ના નિર્માતા બાસિલ લોયન્ક, ગેરી હેલિટન, જુલી રેયાન સહિતના છે અને નિર્દેશક એન્થોની મારસનું છે. ફિલ્મમાં દેવ પટેલ, આર્મિ હાર્મર, નાઝનીન, ટીલ્દા કોબહેમ, અનુપમ ખેર, જેસોન ઇસાક, સુહૈલ નાયર, નતાશા, નાગેશ ભોસલે, પવન ચોપરા સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે. આ એકશન થ્રિલર પ્રકારની ફિલ્મ મુંબઇની સુવિખ્યાત તાજ હોટેલમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલા પરની સત્ય ઘટના પર આધારીત છે. એ વખતે તાજ હોટેલમાં કામ કરતાં કર્મચારીઓએ કઇ રીતે પોતાના મહેમાનોના જીવ બચાવવા પોતાના જીવ જોખમમાં મુકી દીધા હતાં તેની કહાની આ ફિલ્મમાં છે. હોટેલના કર્મચારીઓ માટે પોતાના મહેમાનનું સોૈથી વધુ મહત્વ હોય છે. મહેમાન તેના માટે ભગવાન સમાન હોય છે. તેને કોઇ તકલીફ ન પડે તેનું કર્મચારીઓ ખાસ ધ્યાન રાખતાં હોય છે. કઇ રીતે હોટેલના કર્મચારીઓે એ વખતે તાજ હોટેલના મહેમાનોના જીવ બચાવવા પ્રયાસો કર્યા હતાં તેની વાત છે. ફિલ્મનું ટ્રેલર સોૈએ વખાણ્યું હતું.

(9:55 am IST)