Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વાંકાનેર શહેર તાલુકાને ઓક્સિજન જથ્થો તાકીદે આપવા જિલ્લા કલેક્ટરને રજૂઆત

મોરબી અધિક કલેકટર દ્વારા સુરેન્દ્રનગર આરએસીને ઓક્સિજનનો જથ્થો આપવા લેખિત અપાયું

વાંકાનેર : વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓક્સિજન મેળવવા હજુ પણ લોકો દોડધામ કરી રહ્યા છે. ત્યારે વાંકાનેરનાં એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી તાકીદે ખાસ કિસ્સામાં વાંકાનેરને ઓક્સિજન ફાળવવાની માંગ કરાઈ છે. બીજી તરફ રજુઆતને પગલે મોરબી અધિક કલેકટર દ્વારા સુરેન્દ્રનગર નિવાસી કલેકટરને વાંકાનેરને ઓક્સિજન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ છે.

વાંકાનેરનાં રામ રહીમ ટ્રસ્ટ દ્વારા ઓક્સિજનનો જથ્થો પ્રજ્જનોને પૂરો પાડવામાં આવી રહ્યો છે અને ઓક્સિજન હાલમાં સુરેન્દ્રનગરથી આવતો હોય સ્થાનિક કલેકટર દ્વારા ઓક્સિજન અન્ય જિલ્લા માટે ફાળવવામાં ન આવતા વાંકાનેરના પ્રજાજનોને મુશ્કેલી પડી રહી છે. જેથી આ મામલે જિલ્લા કલેકટર મોરબીને રજુઆત કરી તાકીદે વાંકાનેર માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે.

દરમિયાન રામરહીમ ટ્રસ્ટના અમિત ભટ્ટ દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ વાંકાનેરમાં હાલ ઓક્સિજન વગર કોરોના દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને એડમિટ કરાતા નથી. ડેપ્યુટી કલેકટર અને મામલતદારની જગ્યા પણ ખાલી પડેલી છે, પ્રજા રજૂઆત પણ ક્યાં કરે? ત્યારે વાંકાનેરની કપરી પરિસ્થિતિ ધ્યાને લઈ તાકીદે ઓક્સિજન જથ્થો આપવામાં આવે. જેમાં હોમ કોરનટાઈન લોકોને સીધા ઓક્સિજન બાટલા ફાળવી શકાય અથવા તો સરકારી ગાઈડ લાઈન મુજબ કોઈ પણ રીતે વાંકાનેરને ઓક્સિજન જથ્થો તાકીદે આપવા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવતા અધિક કલેકટર દ્વારા સુરેન્દ્રનગર નિવાસી કલેકટરને તાકીદે ઓક્સિજનની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

(7:27 pm IST)