Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કોરોનાના કારણે તલગાજરડામાં હનુમંત મહોત્સવ રદ : કેવડીયામા પૂ.મોરારીબાપુની રામકથા મુલત્વી

રાજકોટ,તા. ૨૬: મોરારીબાપુ દ્વારા ગવાઈ રહેલી માનસ મંદિર કથાજે રાજુલાના મહાત્મા આરોગ્ય મંદિર માટે ગત વર્ષે યોજાયેલ હતી. પરંતુ કોરોનાના કારણે ત્રણ દિવસ પછી એ કથા પૂર્ણ થઇ શકી ન હતી. જેથી બાકી રહેલી છ દિવસની કથા ગત તારીખ ૨૦ થી શરૂ કરીને ૨૫ સુધી તે જ સ્થળે યોજવાનો નિર્ણય કરેલો.શ્રોતા વિહોણી કથા કાલે રાજુલા ખાતે સમાપન કરતાં મોરારીબાપુ એ જાહેરાત કરી કે આગામી ૨૭મી તારીખે દર વર્ષે યોજાતો હનુમંત મહોત્સવ તલગાજરડા ખાતે બંધ રાખવામાં આવ્યો છે. હનુમંત જયંતિના કોઈ કાર્યક્રમો યોજાશે નહી તથા હું પણ ચિત્રકુટ ધામ ખાતે મળી શકીશ નહીં. તમામ ભકતજનોને વિનંતી કરું છું કે હનુમંત જયંતિનો ઉત્સવ ખૂબ સાદાઈથી પૂજન, અર્ચન કરીને આપણે આપણા દ્યરમાં જ ઉજવીશું. કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું. તમામ સાધુ-સંતો પણ આ નિયમો પાળે તેવી શ્રદ્ઘા છે.

પુ.મોરારીબાપુએ આગળની કથાઓના સંદર્ભમાં જાહેરાત કરતાં કહ્યું કે ૧લી મે ગુજરાત સ્થાપના દિને યોજાનાર કેવડીયાકોલોનીની કથા હવે મુલત્વી રાખવામાં આવેલ છે. સમયની અનુકૂળતાએ તેનું આયોજન કરવામાં આવશે. ૨૨ મી મેના રોજ યોજાનાર અરુણાચલના પાટનગર ઇટાનગરની કથા અંગે પણ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવાનું નક્કી કરેલ છે.સૌને આ બાબતોની સવિશેષ નોંધ લઇ અને સરકારશ્રીની સુચનાઓ મુજબ વર્તવાનું વ્યાસપીઠ અનુરોધ કરે છે.

(1:02 pm IST)