Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આદિત્યાણામાં દારૂની હેરાફેરીમાં નડતરરૂપ ૪ શ્વાનોને ઝેરી લાડવા આપી મોતને ઘાટ ઉતાર્યા

આદિત્યાણા, તા. ૨૨ :. બરડા ડુંગરની ગોદમાં દારૂ દુષણ બેફામ બન્યુ છે. આદિત્યાણામાં દારૂની હેરફેર કરનારાઓએ તેમને નડતરરૂપ થતા ૪ શ્વાનોને ઝેરના લાડવા ખવડાવીને મોતને ઘાટ ઉતારી દીધાની ચર્ચાથી  જીવદયા પ્રેમીઓ સહિત લોકોમાં રોષ વ્યાપી ગયો છે. પંચાયત ચોકમાં એક શ્વાન તથા ગાયત્રી મંદિર પાસે એક શ્વાન તેમજ નજીકના વિસ્તારમાં ૨ શ્વાનને ઝેરના લાડવા ખવડાવી દેતા મોત નિપજ્યાની ચર્ચા છે. લોકોના જણાવ્યા મુજબ વહેલી સવારે બરડામાંથી દેશી દારૂના ધંધાર્થીઓ દારૂની સ્કૂટર તથા ઉંટ મારફત હેરફેર કરતા હોય છે અને તેઓની અવરજવરમાં કૂતરા ભસતા હોય અને નડતરરૂપ હોય ઝેરના લાડવા ખવડાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલ છે. પોલીસ તપાસ કરીને પગલા લ્યે તેવી માગણી ઉઠી છે.

બરડા ડુંગર પંથકમાં દારૂનું દૂષણ હદ હટાવે છે. દારૂ પીને રસ્તામાં આળોટનાર પ્યાસીઓના દ્રશ્યો વારંવાર જોવા મળે છે તથા  દારૂ પીને જાહેરમાં રખડનાર બેફામ ગાળો બોલે છે તેવી ફરીયાદો લાંબા સમયથી છે. પોલીસ સત્તાવાળાઓ કડક પગલા લ્યે તેવી લોક માંગણી છે.

(1:12 pm IST)