Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સતાધાર એટલે અઢારેય આલમ એક સાથે બેસીને જમે તે ભારતવર્ષની અણમોલ જગ્યાઃ પરસોતમભાઈ રૂપાલા . પૂ. જીવરાજબાપુની સમાધી સ્થળે સમાધી પૂજન-ધૂપ દર્શન

જૂનાગઢઃ પ્રસિદ્ધ સતાધાર જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનો દેહવિલય થતા સર્વત્ર ઘેરોશોક છવાઈ ગયો છે ત્યારે આજે સતાધાર આપાગીગાની જગ્યા ખાતે બ્રહ્મલીન પૂ. જીવરાજબાપુની સમાધી પૂજન તથા ધૂપ દર્શન (જુવાર વિધિ)  પૂ. વિજયબાપુ અને આપાગીગાના ઓટલાના મહંત પૂ. નરેન્દ્રબાપુની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો તેમજ ભકતજનો ઉમટી પડયા હતા. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, ચાંપરડાના પૂ. મુકતાનંદબાપુ, પાળીયાદના ગાદીપતિ પૂ. નિર્મળાબા, ચલાળા જગ્યાના ગાદિપતી પૂ. વલકુબાપુ, ચેલૈયાધામના પૂ. રામરામદાસબાપુ, તોરણીયાના પૂ. રાજેન્દ્રદાસબાપુ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, વિસાવદરના અગ્રણી બાબુભાઈ, ઘનશ્યામભાઈ, જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સમાધી પૂજન કર્યુ હતું. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, સતાધાર એટલે અઢારેય આલમ એક સાથે બેસીને જમે તે ભારતવર્ષની અણમોલ જગ્યા છે. સામાજિક સમન્વય, સામાજિક સમૃદ્ધતા કેળવતી આ જગ્યા છે. નાના મોટાનો વિચારવાદ નથી. જગ્યાના મહંત પણ ભકતોની સાથે પંગતમાં બેસીને ભોજન લે છે. સોરઠની ધરા ઉપર સતાધાર દ્વારા ચાલતા અન્નક્ષેત્રના અન્નનો અદભૂત મહિમા છે. અહીં વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. પૂ. જીવરાજબાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના સમાધી દર્શને સતાધાર ધામમાં શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. આગામી દિવસોમાં સાધુ-સંતો-મહંતો અને સતાધાર ધામના પૂ. વિજયબાપુ, આપાગીગાના ઓટલાના મહંત પૂ. નરેન્દ્રબાપુની ઉપસ્થિતિમાં પૂ. જીવરાજબાપુના ભંડારાનું આયોજન કરવામાં આવશે. તેમજ નવા ગાદીપતિ મહંત પૂ. વિજયબાપુની ચાદરવિધિ કરવામાં આવશે. ભંડારામાં દેશભરમાંથી જુદા જુદા અખાડાઓમાંથી, ભ્રમણ કરતા સાધુ-સંતો તેમજ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે.(અહવાલઃ વિનુ જોશી, યાસીન બ્લોચ, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ-વિસાવદર)

(11:56 am IST)