Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કચ્છ સીમાની સામે પાર પાકિસ્તાને સરક્રિકના જમીન સરહદ ઇકબાલ બાજવા અને રાધા બંદરે એસએસજી, મરીન સીલ કમાન્ડો તૈનાત કરતાં પરિસ્થિતિ તંગઃ ભારતીયઙ્ગ સૈન્ય એલર્ટ

કચ્છ બોર્ડર પર તૈનાત નેવી-કોસ્ટગાર્ડ, એરફોર્સ અને આર્મી, બીએસએફના જવાનોની પાકિસ્તાનની હીલચાલ ઉપર બાજ નજર

ભુજ, તા.૨૨: કાશ્મીરને લગતી ૩૭૦મી કલમ દુર દુર કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધેલો છે તેવામાં પાકિસ્તાને તેના કચ્છનાં ક્રીક એરિયાને અડીને આવેલા વિસ્તારમાં સૈન્ય વધાર્યું છે. પાકે ક્રીકમાં આવેલા તેમના વિસ્તારની ચોકીઓ ઉપર કમાન્ડોની સંખ્યા વધારી દીધી છે. સ્પેશીયલ સર્વિસ ગ્રુપ (SSG) તથા પાક નેવીનાં સીલ કમાન્ડોને કચ્છની ક્રીક સીમા પાસે આવેલી તેની રાધા બંદર તેમજ ઇકબાલ બાજવા પોસ્ટ સહીતની ચોકીઓ ઉપર કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. ભારત દ્રારા પણ કચ્છની ઇન્ડો પાક બોર્ડર ઉપર થયી રહેલી આ હલચલ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ થયા છે અને ભારત સાથેની પાક બોર્ડર ઉપર સૈન્ય તૈનાત કરવાની ઘટનાઓ વધી રહી છે. તેવામાં શાંત બોર્ડર તરીકે માનવામાં આવતી કચ્છ સરહદ ઉપર, ખાસ દરિયાઇ સીમા અને ક્રીક એરિયામાં હલચલ વધારી દીધી છે. સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનના કેટી બંદર પાસે આવેલા નાથીયા ગલી નામના વિસ્તારમા આવેલા કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ મુવમેન્ટ જોવા મળી હતી. જેમાં પાક નેવીના સીલ કમાન્ડો ઉપરાંત એસએસજીઙ્ગ કમાન્ડોને તાલીમ આપવામાં ઉપરાંત તેમનુ યુનિટ પણ તૈનાત રાખવામાં આવેલુ છે. તાજેતરમાં ત્યાં પાક નેવીના ચીફ દ્વારા નિરીક્ષણ પણ કરાવામાં આવ્યુ હતુ.

પાકિસ્તાનનાં બાલાકોટ ઉપર ભારત દ્વારા સર્જીકલ એટેક પછી અહી અસામાન્ય રીતે કમાન્ડોને વધારવાનું ચાલુ હતુ. જેને પગલે ભારતે પણ તેની તૈયારીઓ કરી લીધી હતી. હવે જયારે કાશ્મીરની સ્થિતી પછી બોર્ડર ઉપર સ્ફોટક બની છે તેવામાં કચ્છનાં ક્રીકમાં પાકે તેના વિસ્તારમાં કમાન્ડો વધારી દેતા ભારતે પણ આ દિશામાં તેની ચોકસી વધારી દીધી છે.(૨૩.૬)

સરહદની તંગ પરિસ્થિતિ વચ્ચે કચ્છના અબડાસાના કોસ્ટલ એરિયામાં નેવીના કમાન્ડોની મોકડ્રીલ

નેવીના જવાનોની પોતાની સજ્જતા ચકાસીને લોકો સાથે સંવાદિતા વધારશે

ભુજ, તા.૨૨: કચ્છ સરહદની સામે પાર પાકિસ્તાન દ્વારા તૈનાત કરાતાં લશ્કર અને કમાન્ડોના કારણે ભારતીય લશ્કર પણ સાબદુ બની ગયું છે. આજથી ભારતીય નેવી દ્વારા કચ્છના અબડાસા તાલુકાના કોસ્ટલ એરિયામાં મોકડ્રીલનો પ્રારંભ કરાયો છે. બે દિવસ ચાલનારી આ મોકડ્રીલ દ્વારા ભારતીય નેવીના જવાનો પોતાની સતર્કતા, સજાગતાની ચકાસણી કરશે. જોકે, આ મોકડ્રીલનો મહત્વનો હેતુ બોર્ડર એરિયાના લોકો સાથે સંવાદીતતા વધારવાનો છે. જેથી લોકો યુદ્ઘ જેવી પરિસ્થિતિ પૂર્વે સતર્ક રહે તેમ જ સરહદી વિસ્તારોમાં જો કયાંય પણ કોઈ સંદિગ્ધ હીલચાલ દેખાય કે દુશ્મન દેશ દ્વારા કોઈ પણ હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરાય તો લોકો સતર્ક રહે અને સુરક્ષા એજન્સીઓને તે વિશે જાણ કરે. આવી મોકડ્રીલના કારણે કટોકટી ના સમયે લશ્કર અને પ્રજા સાથે મળીને સામનો કરી શકે છે.

(10:25 am IST)