Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામનગરના વોર્ડ નં. ૮-૧૧માં ર૬ લાખના ખર્ચે રસ્તાના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

જામનગર, તા. ૧૮ : અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં શીવનગર સોસાયટીમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૪.૫ લાખ, વોર્ડ નં.૮માં માધવબાગ-૧માં માધેશ્વર મંદિરના કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૫ લાખ, વોર્ડ નં.૮માં સરદાર નગરમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૬.૮૦ લાખના મળી કુલ અંદાજીત રૂ. ૨૬ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોકત કામો વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાની ૧૦્રુ લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે. 

આ તકે તેમની સાથે જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, શાશક પક્ષના નેતાશ્રી દિવ્યેશભાઇ અકબરી, અગ્રણીશ્રી વિમલભાઇ કગથરા, શહેરના વિવિધ વોર્ડોના કોર્પોરેટરો તથા તે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

જિલ્લાની સંકલન  ફરીયાદસમિતિની બેઠકે યોજાઇ

 જામનગર જિલ્લાની સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જામનગરના સભાખંડમાં યોજાઇ હતી.  આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકરએ દરેક અધિકારીઓને યોજનાકીય કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તથા સરકારની જુદી જુદી કચેરીઓ હસ્તકના લેણા વસુલાતની કામગીરીને વેગવંતી બનાવવા જણાવ્યુ હતું. તેમણે લોકો તરફથી મળેલ અરજીઓનો ઝડપી નિકાલ થાય, નાગરીક અધિકારપત્ર, કચેરી હસ્તકના અવેઇટ કેશ, પેન્શન કેશો, કચેરી હસ્તક બાકી રહેલા ખાતાકીય કેશો, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળતી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા અને ધારાસભ્યોશ્રી તરફથી મળેલ પ્રશ્નોનો અંગે જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચાઓ કરીને પ્રશ્નોનો તાત્કાલીક સુૅંખદ નિકાલ થાય તે માટે અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નયનાબેન માધાણી, ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મુછડીયા, ધારાસભ્યશ્રી રાદ્યવજીભાઈ પટેલ, ધારાસભ્યશ્રી ચિરાગભાઈ કાલરીયા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, પ્રાંત અધિકારીશ્રીઓ તથા જિલ્લાના સંલગ્ન કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(1:51 pm IST)