Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ - વાવાઝોડાથી ખેડૂતો પાયમાલ : તાકિદે સર્વે કરાવીને ૧ હજાર કરોડનું પેકેજ આપો

જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

જામનગર તા.૧૮ : જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પી.માધાણીએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ વાવાઝોડાને કારણે ખેડૂતો પાયમાલ તાત્કાલીક સર્વે કરાવી ૧૦૦૦ કરોડ ઉપર જામનગર જિલ્લાનું પેકેજ જાહેર કરવા માંગણી કરી છે.

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ છે. તેમ છતા સરકાર વાતો કરે છે. ગુજરાતભરમાં ૭૦૦ કરોડનુ પેકેજ ફકત ને ફકત ખેડૂતોને મુર્ખ જ લાગે છે. ફકત જામનગર જિલ્લાના ખેડૂતોને ૭૦૦ કરોડ રૂપિયા ઉપરનું પેકેજની આવશ્યકતા છે. ખેડૂતો પાક વિમો માટે પ્રિમીયમ ભરે છે. આવા કરોડો રૂપિયાના પ્રિમીયમ ભરવાનો અર્થ શુ ?

જામનગર જિલ્લામાં અનેક સ્થળે જે કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ચોમાસુ પાક ને તો નુકશાન થયુ જ છે. પણ હવે રવિ પાકના વાવેતર સમયે પણ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકના વાવેતરનો સમય વીતી જાય તેવી ભિતી સર્જાય છે. આ બાબતને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ચોમાસામાં ભારે વરસાદ બાદ નવરાત્રી, દિવાળી, ભાઇબીજ, દેવદિવાળી પર કમોસમી વરસાદ થયો હતો. આ માવઠાથી મગફળી કપાસ સહિતના પાકને વ્યાપક નુકશાન થયુ હતુ અને ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઇ ગયો હતો છતા હજુ કમોસમી વરસાદ બંધ થયેલ નથી. આજે જામનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આ માવઠાથી મગફળી કપાસ સહિતના પાકને નુકશાન થયુ જ છે પરંતુ હવે આ કમોસમી વરસાદ રવિ પાકના વાવેતરમાં નુકશાન કરશે.

હાલ શિયાળુ પાકના વાવેતરનો સમય છે. ખેડૂતોએ ખેતર તૈયાર કર્યા છે. ત્યા કમોસમી વરસાદ થતા હવે દસ દિવસ સુધી તેમાં વાવેતર થઇ શકે નહિ. જયા શિયાળુ પાકનું વાવેતર થઇ ગયુ છે તેના પર પડેલા વરસાદ અને હાલ થઇ રહેલી ગરમીની વિપરીત અસર થાય તેવી શકયતા છે. આ સમય શિયાળુ વાવેતર માટે યોગ્ય છે. પરંતુ હાલ સવારે ઠંડી, બપોરે ગરમી અને બપોરે બાદ માવઠુ શિયાળુ પાક માટે અનુકુળ નથી. હાલ કમોસમી વરસાદના કારણે કપાસ મગફળીના પાકમાં નુકશાન સહન કરનાર ખેડૂતો શિયાળુ પાકના વાવેતરને લઇને પણ ચિંતામાં મુકાયા છે.

જામનગર જિલ્લામાં ખેડૂતોની કરોડો રૃપિયાની મગફળી પલળી ગઇ છે. યાર્ડમાં પણ મગફળી પલળી ગઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે તોફાની પવનને કારણે કપાસ સહિત તમામ પાકનો સોથ વળી ગયો છે. વાવાઝોડા જેવી સ્થિતિને લીધે ખેડૂતોની હાલત દયનીય છે. સરકાર ખેડૂતોના ઘા ઉપર મલમ લાગી મુર્ખ બનાવે છે. સરકારને મતે ૧૦ ટકાની આસપાસ જ ખેડૂતોને નુકશાન ગણાય છે. કોઇપણ જાતના સર્વે કર્યા વિના મનઘડીત વિસ્તાર ઉભા કરી નુકશાની તુકકા લડાવે છે. સરકારે કરેલ જાહેરાત મુજબ પાક વિમો ઉપરાંત ૭૦૦ કરોડની સહાયમાં પ૦૦ તો કેન્દ્ર સરકાર ચુકવવાની છે. રાજય સરકારે તો ફકત ૨૦૦ કરોડ જ આપવાના છે. રાજય સરકારની સર્વેની કામગીરીમાં પણ સરકારી સર્વેમાં નુકશાનીનો આંકડો ઓછો બનાવી ખેડૂતોને મુર્ખ બનાવે છે. આ તમામ પરિસ્થિતિ જોતા રાજય સરકાર તાત્કાલીક ધોરણે ખેડૂતોને જામનગર જિલ્લામાં પુરતુ પેકેજ જાહેર કરે તેવી માંગણી છે.(

(11:59 am IST)