Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રપ હજાર કરોડના પાકવિમા પ્રિમીયમ ઉઘરાવીને માત્ર ર હજાર ચુકવીને સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યુઃ મોરબીમાં હાર્દિક પટેલ-પરેશ ધાનાણીનો આક્રોશ

૧૦૦ % પાક વિમો આપવાની માંગ સાથે રેલી-આવેદન

મોરબી, તા. ૧૪ :  મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને માવઠા ગ્રસ્ત ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને ૧૦૦ ટકા પાક વીમો ચુકવવાની માંગ સાથે જિલ્લા ક્રોગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત વેદના સંમેલન યોજાયું હતું. જેમાં સ્થાનિક ધારાસભ્યો સહિત હાર્દિક પટેલ અને મોડે મોડે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના અન્યાય મુદ્દે બીજેપી સરકારને આડે હાથે લીધી હતી. જેમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ખેડૂત પ્રશ્ને સરકારને આડે હાથ લઈ આકારા પ્રહારો કર્યા હતા અને રૂ.૨૫ હજાર કરોડના પાક વીમા પ્રીમિયમ ઉદ્યરાવીને માત્ર રૂ.૨ હજાર ચૂકવીને ખેડૂતોને સરકારે લોલીપોપ આપ્યાના હાર્દિક પટેલે આકાર પ્રહારો કર્યા હતા. સમલેનમાં ખેડૂતો ભીખ નહિ પણ હક્ક માંગતા હોવાની પણ નારેબાજી કરી હતી.

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર બાગ સામે આવેલ ઓમ શાંતિ વિદ્યાલય સામેના ગ્રાઉન્ડ ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્ને આજે મહા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દીક પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, લલિતભાઈ કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત સંમેલનમાં ધારાસભ્ય મેરજા સહિતના આગેવાનોએ ખેડૂતોની વેદના મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જયારે હાર્દિક પટેલે મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને માવઠાને કારણે આર્થિક પાયમાલ બની ગયેલા ખેડૂતોને વળતર ચૂકવવાના મુદ્દે સરકાર સામે તીખા પ્રહારો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,ખેડૂતોને નુકશાનીનું વળતર ચૂકવવાના નામે ખેડૂતો પાસેથી રૂ.૨૫ હજાર કરોડના પાક વિમાના પ્રિમયમ ઉદ્યરાવીને માત્ર રૂ.૨ હજાર કરોડ જ ખેડૂતોને આપીને તેમની ક્રુર મશ્કરી કરી છે.આ પાક વીમો ખેડૂતો માટે લોલીપોપ સમાન છે.તેથી તેમણે સરકાર સામે હક્ક માટે બાયો ચડાવીને લડત ચાલવાની હાકલ કરી હતી.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે,ગુજરાતમાં ખેડૂતોની હાલત દયનિય છે.જો હજુ ખેડૂતો નહિ જાગે તો આનાથી પણ વધુ બદતર હાલત થશે અને ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધતા રહેશે.ભાજપ સરકાર પર તેમણે ભષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.ખાનગી રીતે ભાજપ ભષ્ટાચાર કરીને લોકોને લૂંટી રહ્યાનો પણ ગંભીર આરોપ મૂકયો હતો.ખેડૂતોને પોતાના હક્ક માટે એકજુટ થઈને સરકાર સામે લડત ચાલવાશે તો ચોક્કસ ન્યાય મળશે.જયારે કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ ખેડૂત પ્રશ્ને તીખા પ્રહાર કર્યા હતા.હાલ ખેડૂત નેતા ન હોય અને છુટાછવાયા નેતાઓને ભાજપ વિખી નાખે દેતા હોવાથી ખેડૂતો આગળ આવી શકતા નથી.

આ સંમેલનમાં ખેડૂતોએ ૧૦૦ ટકા પાક વીમો જાહેર કરવાની માંગ સાથેના વિવિધ બેનેરો લગાવીને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ખેડૂતો ભીખ નહિ હક્ક માંગતા હોવાની નારેબાજી લગાવી હતી. તેમજ જેને ખેતી વિશે જરાય સમજ નથી તેવા લોકો ખેતીના નિયમો બનાવીને ખેડૂતોના નામે મત માંગવા નીકળતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સમલેન બાદ રેલી યોજાઈ હતી વિપક્ષી નેતા પરેશ ધાનાણી આવ્યા બાદ સમેલન સ્થળેથી ખેડૂતોની વિશાળ રેલી નિકળી હતી. જેમાં સરકાર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને બાદમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

(4:14 pm IST)