Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પોરબંદરના રિક્ષાચાલક મેરામણભાઇ પ્રેરક પ્રમાણિકતાથી લોકોમાં જાણીતા બન્યા

અત્યાર સુધી ૩ મુસાફરોને કિંમતી સામાન પરત કર્યો : મુસાફરો રિક્ષામાં કશું ભૂલી નથી ગયાને તે જોવાની સુટેવ

પોરબંદર તા.૧૪ : અત્યાર સુધી ત્રણ મુસાફરોની ભાળ મેળવીને રીક્ષામાં ભૂલાય ગયેલ કિંમતી સામાન અને રોકડ પરત કરનાર રિક્ષાચાલક મેરામણભાઇ કાનાભાઇ વાઢીયા તેની પ્રેરક પ્રમાણીકતાથી લોકોમાં જાણીતા બની ગયેલ છે.

છાયા પ્લોટમાં રહેતા ઘેડીયા કોળી સમાજના રીક્ષાચાલક યુવાન મેરામણભાઇ કાનાભાઇ વાઢીયાએ તાજેતરમાં કુતિયાણાની એક દિકરી ઓટો રીક્ષામાં ૩૭૦૦ રૂપિયા અને આધાર કાર્ડ ચુંટણીકાર્ડ સહિતના ડોકયુમેન્ટ મુસાફરી દરમિયાન ભૂલી જતા સિગ્મા સ્કુલના માધ્યમથી તેમની ઓળખ મેળવીને તેમના ઘરે પહોચતા કર્યા હતા. સુથાર પરિવાર ૩૨ હજાર રીક્ષામાં ભુલી જતા તેઓની ભાળ મેળવી સુપરત કર્યા હતા. હર્ષદ ગાંધવીના ઓસમાનભાઇ રૂપિયા ભૂલી જતા તેઓને શોધીને આપી દીધા હતા. વર્ષ દરમિયાન ૧૧ જેટલા ઉંચી કિંમતના મોબાઇલ પણ જે તે મુસાફરોની ભાળ મેળવી સુપરત કર્યા હતા. તેઓ આ બદલામાં કશું પણ લીધુ નથી. જી.જે.રપ વી. ૩૩૩૦ નંબરની રીક્ષા ધરાવતા મેરામણભાઇ વાઢીયાએ જણાવ્યુ હતુ કે, રીક્ષામાં મુસાફરી કરતા મુસાફરોએ રીક્ષામાંથી ઉતરીને કશું ભુલાતુ નથી ને તેની તકેદારી રાખવાની અપીલ કરી છે. આ યુવાનની પ્રમાણીકતા કોળી સમાજના શ્રેષ્ઠીઓ ડો.ઇશ્વરભાઇ ભરડા, રામસીભાઇ બામણીયા, દેવાયતભાઇ ઠેબાભાઇ વાઢીયાએ બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.

(11:57 am IST)