Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જામનગરનાપંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સોૈરાષ્ટ્ર-ગુજરાતના મોટામાં મોટા બારમાં સમુહ લગ્નોત્સવમાં ૧૧૩ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે

જામનગર તા ૯  :  પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક-માલધારી સમૂહલગ્ન સમિતી દ્વારા આયોજીત બારમાં સમૂહ લગ્નોત્સવમાં ૧૧૩ યુગલો આગામી તા.૦૪-૦૨-૨૦૨૦ ના રોજ લગ્નગ્રંથી થી જોડાશે. પછાતમાંય સોૈથી પછાત એવા ભરવાડ સમાજમાં કુરિવાજોને તિલાંજલી આપવા ગોપાલક-માલધારી સમૂહ લગ્ન સમિતી દ્વારા બારમાં સમૂહ લગ્નનું આયોજન કનસુમરા જામનગરમાં શ્રી આશાપુરા હોટલની બાજુમાં, રેલ્વે સાંઢીયા પુલ પાસેના પટાંગણમાં કરવામાં આવ્યું છે.

બારમાં સમૂહ લગ્નમાં નવદંપતિઓને એકાવન જેટલી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. કરિયાવરમાં સ્ટીલનો કબાટ,સેટી-પલંગ,પથારી સેટ, સોનાના દાણા, પાનેતર, ટ્રાવેલ બેગ, બાજોટ-પાટલા, કાંડા ઘડિયાળ, દીવાલ ઘડીયાળ, સ્ટીલના બેડા, સ્ટીલની કોઠી, મામાટની ગોરી, કાંસાની તાંસળીઓ, તેમજ ઘરવપરાશની ચીજ-વસ્તુઓ, ઠામ વાસણ દાતાઓ તેમજ સમાજ તરફથી કન્યાદાનમાં આપવામાં આવશે.

આ પ્રસંગે સમાજના આસ્થાના પ્રીતક  સમા શ્રી ઝાઝાવડા દેવ-થરાના પૂ. મહંતશ્રીઘનશ્યામપુરીજી, નગા લખાની જગ્યા, મોટી બોરૂના લઘુ મહંતશ્રી પૂ. નામદેવ ભગત તથા દ્વારકાની શ્રી મૂળવાનાથની જગ્યાના પૂ. મહંતશ્રી રઘુબાપા, શ્રી મચ્છુ માતાજીની જગ્યા મોરબીના પૂ. મહંત શ્રી ગાંડુભગત તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો-મહંતો તેમજ શૈક્ષણિક, સામાજીક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પધારી નવદંપતિઓને આશીર્વાદ પાઠવશે.

તા. ૦૩-૦૨-૨૦૨૦ ના રોજ મંડપારોપણ સમૂહ લગ્નના સ્થળ પર યોજાશે. તેમાં તમામ ૧૧૩ કન્યાઓ પોતાના વરદ્ હસ્તે માણેક સ્થંભ રોપશે. રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તા. ૦૪-૦૨-૨૦૨૦ના રોજ જામનગરના ખ્યાતનામ એમ.કે. ઇવેન્ટ દ્વારા લગ્નવિધી દરમ્યાન પ્રાચીન લગ્નગીતો રજુ થશે. આ ઉપરાંત ભરવાડ સમાજના નવયુવાનો તેમજ યુવતીઓ ઢોલ, શરણાઇ તેમજ ડી.જે. સાઉન્ડના તાલે ભરવાડોનું પરંપરાગત લોકનૃત્ય હુડો રજુ કરશે.

''કુંવરબાઇનું માંમેરૂ'' તથા '' સાત ફેરા સમૂહ લગ્ન યોજના'' હેઠળ દરેક કન્યાને રૂા ૨૦,૦૦૦/-ની આર્થિક સહાય સમૂહ લગ્ન સમિતિના માધ્યમથી આપવામાં આવશે.

બારમાં સમૂહ લગ્ન સાથે ''રકત્તદાન મહાદાન'' સુત્રને સાર્થક કરવા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વ્યસન મુકિત અભિયાન પ્રદર્શન જામનગર શહેર જિલ્લા ભરવાડ ગોપાલક યુવા સંગઠનના નેજા હેઠળ સમૂહ લગ્નના સ્થળે યોજવામાં આવેલ છે.

આ પ્રસંગે સામાજીક ક્રાંતિના વિચારને મૂર્તિમંત કરવા, બેટી બચાવો, બેટી પઢાવો, બેટી બિરદાવોનો સંકલ્પ નવદપતિઓ પાસે કરાવી અવતરવા દઇએ દિકરીના આહ્વાન સાથે ''નાનો પરિવાર સુખી પરિવાર'' પર ભાર મુકવામાં આવશે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભ્રુણ હત્યા, બરરાળ લગ્ન તેમજ કન્યાવિક્રયને તિલાંજલિ આપવા સામુહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે, સાથેસરકારી નોકરીઓમાં ભરવાડ સમાજની વિવિધ પ્રતિભાસંપન્ન દિકરીયુનું અભિવાદન કરવામાં આવશે. આ લગ્નોત્સવમાં આશરે ૪૦ થી૪૫ હજારની સંખ્યામાં ભરવાડ સમુદાય ઉમટશે.

બારમાં સમૂહ લગ્નોત્સવ-૨૦૨૦ને સફળ બનાવવા માટે ભરવાડ સમાજના આગેવાનો, યુવાનો, જુદા જુદા ગામની સમિતીઓના માધ્યમથી જહેમત ઉઠાવી રહ્યા છે. સ્વયંસેવકોની વિવિધ કામ માટે સમિતીઓ રચવામાં આવી છે. જામનગર શહેર-જિલ્લાના ભરવાડ ગોપાલ યુવા સંગઠનના પ્રમુખશ્રીઓ, પુનાભાઇ બાંભવા, અરજણભાઇ ઝાંપડા તેમજ યુવા સંગઠનના તમામ હોદ્ેદારો સતત કાર્યરત છે. ગોપાલક-માલધારી સમૂહ લગ્ન સમિતી વતી વેજાભાઇ જોગસવા તથા મનોજભાઇ ચાવડિયા સમગ્ર વ્યવસ્થા જાળવવામાં સીધુ માર્ગદર્શન આપી સંકલન જાળવી રહ્યા છે.

(1:22 pm IST)