Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જામનગરમાં 'બેટી બચાવો બેટી પઢાઓ' અંતર્ગત કન્યા શાળામાં કિશોરી મેળો હર્ષભેર યોજાયો

જામનગર તા.૯: જિલ્લા મહીલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજના અંતર્ગત તા.૩૦/૧૨/૨૦૧૯નાં રોજ શ્રી રતનબાઈ કન્યા શાળામાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ૨૪૮ કિશોરીઓ સહભાગી થયેલ. આ મેળામાં 'બેટી બચાઓ બેટી પઢાઓ' વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

સ્પર્ધામાં ૫૦ કિશોરીઓએ ભાગ લીધેલ. કાર્યક્રમમાં પીબીએસીના કાઉન્સેલરશ્રી દર્શનાબેન વાળા દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજનાની માહિતી કિશોરીઓને આપવામાં આવી તેમજ 'પર્સનલ હાઈજીન' વિશે કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી.

શાળાની ૦૩ કીશોરીઓ દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' યોજના વિશે આદર્શ વકતવ્ય આપવામાં આવ્યું અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ચંદ્રેશભાઈ ભાંભી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની  મહિલાલક્ષી યોજનાઓ તેમજ જાતીય સતામણી વિશેની માહિતી કિશોરીઓને આપવામાં આવી. ત્યાર બાદ  મહિલા શકિત કેન્દ્રના કોર્ડીનેટરશ્રી રૂકશાદબેન ગજણ દ્વારા કિશોરીઓને પીબીએસસી, ૧૮૧ મહિલા હેલ્પ લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શકિત કેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધામાં વિજેતા કિશોરીઓને જીલ્લા મહિલા અને બાળ અધીકારીશ્રી તથા શાળાના પ્રિન્સિપાલશ્રી દ્વારા શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ, કાર્યક્રમના અંતે તમામ કિશોરીઓને સેનીટાઇઝેશન કીટ આપેલ તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની  યાદીમાં જણાવાયું છે.

મહિલા રોકડ પુરસ્કાર માટે  અરજી મોકલવી

જામનગર :સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં-૧૪, અં-૧૭ અને રાજયકક્ષાની શાળાકીય અં-૧૯ સ્પર્ધાઓ માટે તેમજ સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરીને નિયત સમય મર્યાદામાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, સેવા સદન-૪, રૂમ નં.૪૨, રાજપાર્ક પાસે, જામનગરને મળી રહે તે રીતે અરજી મોકલવાની રહેશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ અરજી કરી શકશે.

(11:49 am IST)