Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કાઉન્સિલીંગ દ્વારા સોમનાથ મહિલા પી.એસ.આઇ. પી.વી. સાંખટની પ્રશંસનીય કામગીરી

૪૨ નવ યુગલોનો સંસાર તૂટતો બચી ગયો શાળા કોલેજોમાં પણ મહિલા પોલીસ ટીમ પહોંચી જરૂરી માર્ગદર્શન આપે છે.

પ્રભાસપાટણ તા ૫  :  રાજયમાં મહિલાઓની સુરક્ષા-ઘરેલુ પરિવારોના મનદુઃખ નિવારવા સોમનાથ પોલિસ સ્ટેશનના પ્રથમ માળે ગૃહ ખાતાએ ખાસ મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે. આ પોલીસ સ્ટેશન હેઠળ પાંચ તાલુકા જોડાયેલા છે જેમાં વેરાવળ, તાલાલા, પ્રભાસ પાટણ, સોમનાથ મરીન અને સુત્રાપાડા પોલીસ મથકોનો વિસ્તાર આવેલો છે. આ પોલીસ મથકમાં ૧૪ પોલીસ કર્મચારીઓ છે જે તમામ મહિલાઓ યુવતીઓ જ છે.

મહિલા પોલીસ સબ ઇન્સ. પી.વી. સાંખટના જણાવ્યા અનુસાર આ વરસના જાન્યુઆરીથી ઓકટોબર સુધીમાં ઘરેલુ પરિવારોના અનદુઃખ, જાતીય સતામણી અને આશા-ઉમંગો સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા યુવાન નવયુગલો નજીવી બાબતોમાં તૂટી જવાના આરે ઉભેલા સંસારોને કાઉન્સિલીંગ કરી ૪૨ જેટલા પ્રશ્નો ઉકેલી સમાધાન-સમજણ તેમજ બાળકોના ભવિષ્ય અને કાનુની જોગવાઇઓ અંગે માવતર બની બન્ને પક્ષને સમજદારી દાખવવા કાઉન્સિલીંગ કરી પરિવારોમાં ખુશી અને કિલ્લોલ અને સુખી સંસારમય બનાવ્યા.

પી.એસ.આઇ. પ્રવિણાબહેન સાંખટએ આ ઉપરાંત શાળા કોલેજો મહિલા શશકિતકરણ-જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરી મહીલા પોલીસનો સંપર્ક જરૂર પડયે માર્ગદર્શન, જાણકારી મેળવવા પ્રવચનો પણ આપ્યા હતા.

(11:50 am IST)