કાઉન્સિલીંગ દ્વારા સોમનાથ મહિલા પી.એસ.આઇ. પી.વી. સાંખટની પ્રશંસનીય કામગીરી
૪૨ નવ યુગલોનો સંસાર તૂટતો બચી ગયો શાળા કોલેજોમાં પણ મહિલા પોલીસ ટીમ પહોંચી જરૂરી માર્ગદર્શન આપે છે.
પ્રભાસપાટણ તા ૫ : રાજયમાં મહિલાઓની સુરક્ષા-ઘરેલુ પરિવારોના મનદુઃખ નિવારવા સોમનાથ પોલિસ સ્ટેશનના પ્રથમ માળે ગૃહ ખાતાએ ખાસ મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે. આ પોલીસ સ્ટેશન હેઠળ પાંચ તાલુકા જોડાયેલા છે જેમાં વેરાવળ, તાલાલા, પ્રભાસ પાટણ, સોમનાથ મરીન અને સુત્રાપાડા પોલીસ મથકોનો વિસ્તાર આવેલો છે. આ પોલીસ મથકમાં ૧૪ પોલીસ કર્મચારીઓ છે જે તમામ મહિલાઓ યુવતીઓ જ છે.
મહિલા પોલીસ સબ ઇન્સ. પી.વી. સાંખટના જણાવ્યા અનુસાર આ વરસના જાન્યુઆરીથી ઓકટોબર સુધીમાં ઘરેલુ પરિવારોના અનદુઃખ, જાતીય સતામણી અને આશા-ઉમંગો સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા યુવાન નવયુગલો નજીવી બાબતોમાં તૂટી જવાના આરે ઉભેલા સંસારોને કાઉન્સિલીંગ કરી ૪૨ જેટલા પ્રશ્નો ઉકેલી સમાધાન-સમજણ તેમજ બાળકોના ભવિષ્ય અને કાનુની જોગવાઇઓ અંગે માવતર બની બન્ને પક્ષને સમજદારી દાખવવા કાઉન્સિલીંગ કરી પરિવારોમાં ખુશી અને કિલ્લોલ અને સુખી સંસારમય બનાવ્યા.
પી.એસ.આઇ. પ્રવિણાબહેન સાંખટએ આ ઉપરાંત શાળા કોલેજો મહિલા શશકિતકરણ-જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરી મહીલા પોલીસનો સંપર્ક જરૂર પડયે માર્ગદર્શન, જાણકારી મેળવવા પ્રવચનો પણ આપ્યા હતા.