Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બોટાદના સીતાપર ગામની જમીન લીઝ પર આપવા સામે ગ્રામજનોનો વિરોધ

જીલ્લા કલેકટરને આવેદન પાઠવી ખેતીને નુકશાન થવાની ભીતી દર્શાવી

બોટાદ જીલ્લાના ગઢડા (સ્વા) તાલુકા, તા.૪: સીતાપર ગામની સીમમાં ગૌચરની જમીનમાં કાળા પત્થર કાઢવા અને ભડીયુ ચલાવવા સુરેશભાઇ કુરજીભાઇ પરમાર રહે.નારણગઢ (નવાગામ) તા.લાઠી જી.અમરેલી વાળાએ તા.પ-૯-૨૦૧૨ના રોજ બ્લેકટેપ ખનિજની કવોરીલીઝ માટેની અરજી કરેલ હતી. જે તે સ્થળ ઉપર મંજુર થયેલ સ્થળ ગૌચરની જમીન હોય, તેથી આ કામને અટકાવવા સમસ્ત ગ્રામજનોમાં વિરોધ્ધ હોય, તેથી જીલ્લા કલેકટરશ્રી સાહેબની કચેરી ભાવનગર ગ્રામજનો રૂબરૂ જઇને આવેદનપત્ર અને અરજી પણ આપેલ.

સાત-સાત વર્ષથી તંત્રના અધિકારી સ્થળ તપાસ માટે આવ્યા ન હોય, અને તંત્ર દ્વારા સીતાપર ગ્રામ પંચાયતને કાળા પત્થર કાઢવા માટેની લીઝ બાબતે કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી. તેથી  તા.૧-૨-૨૦૧૯ના રોજ સીતાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશભાઇ ધરજીયા અને સમસ્ત ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટર બોટાદ સમક્ષ રૂબરૂ આવેદન પત્ર આપેલ છે. સ્થળ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરી આ કાળા પત્થર કાઢવાની લીઝ અટકાવવા માટે તાત્કાલીક યોગ્ય પગલા નહી લેવામાં આવે તો સમસ્ત ગ્રામજનો એકત્રીત થઇને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવા પણ તૈયાર હોય તેમ ચીમકી ઉચ્ચારેલ છે. જે જગ્યા પર હાલ બિન કાયદેસર કવોરીલીઝ માટે જમીનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે. તે જગ્યા ગૌચરની છે તેમ જ તેની બાજુમાં પાણીનું તળાવ આવેલ છે. અને આજુ-બાજુમાં ખેતીની જમીન આવેલ હોય, તેથી કાળા પત્થર કાઢશે અને ભડીયુ જો ચાલુ રાખશે તો ખેતીની જમીન અને ત્યાના ખેડુતોને પણ નુકસાનકારક હોય, તેમજ આ જગ્યાથી ૩૦૦ ફુટ દુર જંગલ ખાતાની જમીન આવેલ છે. આ જંગલ વિસ્તારના પર્યાવરણને પણ ભારે નુકસાન થવા પામેલ છે. તો આ બાબતે સરકાર શ્રી દ્વારા નકકર પગલા લેવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.(૨૩.૨)

(12:04 pm IST)