Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

મહુવાના તાવેડાના સરપંચે ઘરેણાં ગીરવે મૂકીને ગરીબોને કરિયાણું આપ્યું:રોકડ સહાય પણ કરી

સરપંચ દાનુભાઈ આયરની દરિયાદિલીની ખુબ સરાહના

મહુવા તાલુકાના તાવેડા ગામમાં 3500 લોકો વસવાટ કરે છે. ગામમાં રહેતા મોટાભાગના લોકો મજૂરી કામ સાથે સંકળાયેલા છે. કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, તેથી ગામના ગરીબ લોકો મજૂરી કામ કરવા જઇ શકતા નથી અને પોતાના પરિવારનું પેટ ભરી શકતા નથી. આર્થિક સંકટની ઘડીમાં ગામના સરપંચ દાનુભાઈ આયરને ગરીબ લોકોની ચિંતા થવા લાગી હતી તેથી તેમને મનોમન ગરીબ લોકોની મદદ કરવાનો વિચાર કર્યો હતો

દાનુભાઈ આયરને ગરીબ લોકોની મદદ કરવા માટે પૈસાની જરૂર હતી પરંતુ તેમની પાસે હાથ પર પૈસા ન હતા. પૈસા મેળવવા માટે તેમને પોતાના પરિવાર પાસે રહેલા દાગીના બેંકમાં ગીરવે મુકયા હતા અને સાડા નવ લાખની લોન લીધી હતી. ઘરેણા ગીરવે મૂકીને લોન લીધા બાદ જે પૈસા આવ્યા તે પૈસાનું કરિયાણું લઇને ગરીબ લોકોને આપ્યુ હતું અને આ ઉપરાંત ગામમાં ગરીબ લોકોને 1,000થી લઈને 5,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પણ પૂરી પાડી હતી. સરપંચનું ઉમદા કામ જોઇને ગામના લોકોએ તેમની સરાહના કરી હતી.

 

ગરીબ લોકોની મદદ કરવા બાબતે દાનુભાઈ આયરનું કહેવું છે કે, મેં મારા તમામ ઘરેણા ગીરવે મુકયા છે અને તેના બદલામાં સાડા નવ લાખ રૂપિયા આવ્યા તેમાંથી અનાજ અને ગરીબ લોકોને રોકડ સહાય આપી છે. મારો એક નિયમ છે કે, ગામનો કોઇ પણ વ્યક્તિ ભૂખે ન ઊંઘે. આપણે જીવતા રહીશું તો ફરીથી ઘરેણા બનાવી લેશુ.

ગામના લોકોએ જણાવ્યું હતું કે અમારા કામ ધંધા બંધ થઈ ગયા હોવાથી અમારા ઘરમાં ખાવા માટે અનાજ પણ ખૂટવા આવ્યુ હતું. અમારા ગામના સરપંચે અમને બધાને અત્યારે નિભાવી રહ્યા છે. આ ઉપરાંત અમને અનાજની અને રોકડની સહાય પણ કરે છે, જેથી અમે તેમનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ.

(10:03 pm IST)