Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના દરમ્યાન કચ્છમાં મદદ માટે દાતાઓએ દર્શાવી દિલેરી- તૈયાર ભોજન, રાશનકીટનું વિતરણ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું દાન

(ભુજ) કોરોનાની મહામારી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જરૂરતમંદોને મદદ કરવાની કરેલી હાકલને કચ્છમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કચ્છના જાણીતા હોટેલિયર, બિલ્ડર હિંમત દામા દ્વારા ભુજમાં તેમની હોટેલના કિચનમાં હાઈજીનની તકેદારી રાખી દરરોજ ૫૦૦ જેટલા વ્યકિતઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીનો માનવીય અભિગમ ભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ફૂડ પેકેટના વિતરણ કાર્યમાં પોલીસ જવાનોનો સહયોગ મળી રહ્યો છે. તો, કચ્છના ઔદ્યોગિક વિસ્તાર અને સૌથી વધુ શ્રમજીવી વસ્તી ધરાવતા આદિપુર, ગાંધીધામ કોમ્પ્લેકસમાં જાણીતા સામાજિક કાર્યકર શંકર અડવાણીએ માનવતાની મહેક પ્રસરાવી છે. શંકર અડવાણીના નેતૃત્વ તળે દરરોજ ૧૫૦૦ જેટલા ફૂડ પેકેટ એકદમ હાઈજીન રીતે તૈયાર કરવામાં આવે છે. ગાંધીધામના જાણીતા કેટરર્સ દ્વારા બનાવતી રસોઈ ફોઈલ પેકમાં પેક કરી શંકર અડવાણી અને તેમના સહ કાર્યકર મિત્રો જાતે વિતરણ કરે છે.

તો, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા સખી મંડળની બહેનોની મદદથી રાશનકીટ તૈયાર કરી જરૂરતમંદ પરિવારોને વિતરણ કરાઇ રહ્યું છે. ડો. નીમાબેન આચાર્યની પ્રેરણા થકી ગાંધીધામના રોયલ ગ્રુપના ધવલ આચાર્ય દ્વારા પાંચ લાખ અને શ્રી રામ સોલ્ટના બાબુભાઇ ભીમાભાઈ હુંબલ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં પાંચ લાખ એમ કુલ ૧૦ લાખ રૂ.ના અનુદાનનો ચેક કલેકટર પ્રવીણા ડી.કે.ને અર્પણ કરાયો છે. જાણીતી કન્સ્ટ્રકશન કંપની એલસીસીના અરજણભાઈ આહીર દ્વારા ૧૧ લાખ રૂ.નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરાયો હતો. કલેકટર પ્રવીણા ડીકેને ચેક અર્પણ કરતી વેળાએ ભાજપ અગ્રણી જેમલ રબારી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માતાના મઢ ટ્રસ્ટ દ્વારા ૩૧ લાખ રૂ.નો ચેક ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી રાહત ફંડ માટે કલેકટરને અર્પણ કર્યો હતો. મુન્દ્રામાં યુવા પત્રકાર રાજ સંધવીએ જનસેવા સંસ્થાના માધ્યમથી સેવાની ધૂણી ધખાવી છે. અલગ અલગ દાતાઓની મદદથી રાજ સંદ્યવી દ્વારા જનસેવા સંસ્થાના માધ્યમથી ગરીબવર્ગને ભોજન આપવામાં આવે છે. તો, મધ્યમવર્ગીય પરિવારોને રાશનકીટનું વિતરણ કરાઈ રહ્યું છે. (તસ્વીર-અહેવાલ : વિનોદ ગાલા ભુજ)

(11:34 am IST)