Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સોશિયલ મીડિયામાં તંત્ર અને પોલીસને બદનામ કરવાનું ભારે પડ્યું, કચ્છમાં બે સરપંચ સહિત ચાર ઝડપાયા

ભુજ,તા.૩ : સોશિયલ મીડિયામાં કચ્છનાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને બદનામ કરવાનું કાવતરૂ એક વર્તમાન અને એક પૂર્વ સરપંચ સહિત ચાર શખ્સને ભારે પડ્યુ છે. પશ્ચિમ કચ્છમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કામ ચાલી રહ્યું છે એવા ફોટાવાળા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. જેને તંત્ર અને પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને માનસિક રીતે વિકૃત કહી શકાય તેવા શખ્સોને કાયદાનો પાઠ ભણાવવાનું નક્કી કરીને કાયદેસરની કાર્યવાહી કરીને ગુન્હો દાખલ કર્યો છે. તેમજ અન્ય લોકોની પણ આ કાવતરામાં સંડોવણી છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.

નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં  ખુદ પોલીસ ઇન્સ્પેકટર જયદીપસિંહ રાઠોડ દ્વારા ફરિયાદ આવી હતી કે, તેમનાં મોબાઈલ ઉપર નખત્રાણા રહેતા સુરેશદાન શંભુદાન ગઢવી દ્વારા (મૂળ રહેવાસી ગામ લાખિયાવીરા) વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે કેટલાક મજૂરોના ફોટા મોકલીને એમ દાવો કરવામાં આવ્યો હતો કે લાખિયાવિરા ગામમાં કેપી એનર્જી કંપનીનાં મજૂરો લોકડાઉનમાં પણ કામ કરી રહ્યા છે. મેસેજને પગલે પોલીસની ટીમ મોકલીને તપાસ કરાવી તો વાત ખોટી હોવાનું બહાર આવ્યું હતું. આથી તેમણે વાયરલ કરાયેલા ફોટામાં દેખાતા શખ્સને શોધવાનું શરૂ કર્યું હતું. તપાસ કરતા તે વ્યકિત નખત્રાણા તાલુકાનાં વિથોણ ગામનો હોવાનું બહાર આવતા વિકાસ દિનેશભાઇ જોશી નામના શખ્સને ઝડપી લીધો હતો. વિકાસની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા તેને આ કામ કરવા માટે વિથોણ ગામનાં જ પૂર્વ સરપંચ રતિલાલ પ્રેમજી ખેતાણી નામના શખ્સે મોકલ્યો હોવાનું કબુલ્યું હતું.

પોલીસનાં હાથમાં આવી ગયેલા વિકાશે એમ પણ જણાવ્યું કે, તેને આ કામ પોલીસ બનીને કરવા માટે મોટા અંગીયા ગામનાં સરપંચ ઇકબાલ આદમ ઘાંચી તથા રતીલાલે જ કહ્યું હતું. આથી તેણે લેબર કેમ્પમાં જઈને પોલીસ રિપોર્ટ તૈયાર કરવાનો છે તેવું જણાવીને મજુરોના ફોટા પાડીને વોટ્સએપથી રતીલાલને આપ્યા હતા. રતીલાલે આ ફોટા ઇકબાલ ઘાંચીને સોશીયલ મીડિયા થકી શેર કર્યા હતા. ઘાંચીએ આ જ ફોટા કમેન્ટ સાથે સુરેશદાન ગઢવીને મોકલી આપતા ગઢવીએ આ બધી માહિતી પોલીસ ઇન્સ્પેકટર જે.કે.રાઠોડ તથા નખત્રાણાનાં પ્રાંત અધિકારી એવા નાયબ કલેકટર રાઠોડને મોકલીને ખોટી રજુઆત કરી કે, લોકડાઉનમાં પણ કામ ચાલુ છે

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ પ્રકારના મેસેજને કારણે કચ્છ કલેકટર સહિત બોર્ડર રેન્જના આઈજી તથા એસપીએ ખૂબ જ ગંભીરતાથી લીધો હતો. અને આવા માનસિક રીતે વિકૃત કહી શકાય તેવા તત્વોને ઝડપી લેવા પોલીસને હુકમ કર્યો હતો. જેને પગલે નખત્રાણા પોલીસનાં ઇન્સ્પેકટર દ્વારા પણ મામલાની ગંભીરતા જોઈને રાતોરાત તપાસ કરી સોશિયલ મીડિયામાં કંપની તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને બદનામ કરનારા આ તત્વોને પૈકી વિકાસને બુધવાર રાતે જ જયારે ઇકબાલ, રતિલાલ અને સુરેશને ગુરુવારે સવારે દબોચી લીધા હતા.

પોલીસે મોટા અંગીયા ગામનાં સરપંચ ઇકબાલ દ્યાંચી, વિથોણ ગામનાં પૂર્વ સરપંચ રતિલાલ પ્રેમજી ખેતાણી અને વિકાસ દિનેશ જોશી તથા હાલ નખત્રાણા રહેતા સુરેશદાન શંભુદાન ગઢવી વિરુદ્ઘ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૭૦ (પોલીસ હોવાની ખોટી ઓળખ ઉભી કરવી), આઈપીસીની કલમ ૧૮૨ (ખોટી ફરિયાદ કરવી), કલમ ૧૦૯(અન્ય લોકો ઉશ્કેરાય તેવું કૃત્ય કરવું તથા આવા ગુન્હા કરીને લોકોમાં ભય ફેલાવવા(કલમ ૫૦૫(૧)b) તેમજ ઇન્ડિયન ડિઝાસ્ટર એકટની કલમ ૫૪(લોકોમાં આપત્તિ અંગે ભય ફેલાવવા) હેઠળ એફઆઈઆર નોંધી કાર્યવાહી આગળ હાથ ધરી હતી.

(11:21 am IST)