Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જુનાગઢ-કેશોદ-તાલાળા વિસ્તારમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદઃ કાચા મકાનોના પતરા ઉડયાઃ હોર્ડીંગ્સને નુકશાનઃ ગોંડલ-શાપર-વેરાવળમાં પવન સાથે વરસાદી ઝાપટા

રાજકોટ, તા., રઃ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આજે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છવાયું છે અને ભીમ અગીયારસનું મુહુર્ત મેઘરાજાએ સાચવ્યું હોય તેમ જુનાગઢ જીલ્લામાં તથા ગોંડલ અને શાપર-વેરાવળમાં વરસાદ વરસ્યો છે.

જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલમાં જણાવાયું છે કે જુનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સાંજે ૪ વાગ્યાથી વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળા છવાઇ ગયા હતા. જોરદાર પવન શરૃ થતા જનજીવનને વ્યાપક અસર શરૃ થઇ હતી. પવનની સાથે વરસાદ વરસતા કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા અને જાહેર માર્ગો ઉપર હોર્ડીંગ્સને પણ નુકશાન થયુ હતું. આ વરસાદ કેશોદ તેમજ તાલાળા ગીર  પંથકમાં પણ વરસ્યો હોવાનું જાણવા મળ્યુ઼ છે.

કેશોદના પ્રતિનિધિ કિશોરભાઇ દેવાણીના અહેવાલમાં જણાવાયું છે કે આજે સાંજે તોફાની પવન સાથે એકાદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

(4:48 pm IST)