Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જસદણના વિંછીયા પંથકની સગીરાના દુષ્કર્મના કેસમાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. રઃ જસદણના વિંછીયા પંથકની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ હિરાઘસુ આરોપી વિક્રમ પ્રવિણભાઇ શેખે ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી ડી. ડી. ઠકકરે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાવનો ભોગ બનનાર સગીરા અને આરોપી એકજ કારખાનામાં હિરા ઘસવાનું કામ કરતાં હોય બંનેની આંખ મળી જતાં આરોપી તા. ૧૦-૩-ર૦નાં રોજ આરોપી પ્રવિણ સગીરાને ભગાડી ગયો હતો અને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવ અંગે વિંછીયા પોલીસમાં ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યો હતો.

આ ગુનામાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુઆત રેલી કે, ભોગ બનનાર સગીર છે. આરોપી પરિણિત છે. હાઇકોર્ટમાંથી પણ જામીન મળવાનો ઇન્કાર થયો છે. હાલના કેસમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ થઇ ગયેલ છે. પરંતુ કેસના કોઇ સંજોગો બદલાયા ન હોય આરોપીની જામીન અરજીને રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી ડી. ડી. ઠકકરે આરોપીની જામીન અરજીને રદ કરી હતી, આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

(2:36 pm IST)