Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભાવનગરના તળાજાનું લોકજીવન અર્થતંત્ર ધબકતું થયુ

અનલોક પાર્ટ-૧ ના પ્રથમ દિવસે તમાકુ,સોપારી, બીડીની દુકાનો ખુલતા લાઈનો લાગી

ભાવનગર,તા.૨ : લોકડાઉન -૪ પૂર્ણ થયાબાદ, અને અનલોક ના પ્રથમ દિવસે તળાજા ની બજારમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો.લોકો એ હદે ખુલીને બહાર નીકળ્યા કે કોરોના જાણે હવે ખોવાઈ ગયો.મોટાભાગે દુકાનોમાં ઘરાકી જોવા મળી. જોકે સાંજે સાત વાગતા જ દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી.

તળાજા વાસીઓ અને આસપાસના ગામડાઓના લોકો અને વેપારીઓ કોરોનાના ડરને ભૂલી ગયા હોય તેવો સિનારિયો જોવા મળ્યો હતો. આવતી કાલે ભીમ અગિયારસ હોય આજે શહેરના મુખ્ય માર્ગ,બજાર લોકો થી ઉભરાઈ ગયેલા જોવા મળ્યા. ખાસ કરીને આજે મોટા ભાગની હોલસેલ તમાકુ, સોપારી,બીડીની દુકાનો ખુલતા ત્યાં લાઈનો લાગીહતી. એક દુકાને શાબ્દિક ગરમ ગરમી થતા વેપારી દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતા.

ભીમ અગિયારસ ને લઈ આજે કેરી વેચવા વાળા અનેક બજારમાં જાહેર રોડ પર બેસી ગયા હતા. કારણકે નાના વેપારીઓએ શકિત પ્રમાણે. કેરી ખરીદી હતી.જો આ બે દિવસોમાં કેરી ન વેચાય તો મોટી ખોટ જાય તેમ હોય આજે જયાં જુઓ ત્યાં કેરીની લારીઓ અને સુંડલા વાળા જોવા મળતા હતા.

લોક ડાઉન ખુલી ગયુ હોય અને કોરોના નો ભય ટાળ્યું હોય તે રીતે દુકાનોમાં પણ ભીડ જોવા મળી હતી. મોકળા મને ખરીદી કરતા જોવા મળ્યા હતા.એ જોતાં તળાજા નું અર્થતંત્ર પાટે ચડતું હોય તેવું બજાર જોતા સ્પષ્ટ જોવા મળ્યું.

(11:32 am IST)